
ઈરાનના રાજદૂતે પુષ્ટિ કરી ઈરાનની પરમાણુ સાઇટ પર હુમલો કરાયો : રેડિએશન ફેલાવાનું જાેખમ ઈરાને આ હુમલાને તેની શાંતિપૂર્ણ ચાલી રહેલી પરમાણુ ગતિવિધિઓ પર સીધો હુમલો જણાવ્યો હતો
અમેરિકા-ઈઝરાયેલે ઈરાનની પરમાણુ સાઇટ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. રોયટર્સની રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિરીક્ષક સંસ્થામાં ઈરાનના રાજદૂત રઝી નજફીએ જણાવ્યું કે ઈરાનના નાતાન્ઝ પરમાણુ સંકુલને અમેરિકા અને ઈઝરાયલે ટાર્ગેટ કર્યું છે. હુમલાની પુષ્ટિ કરતા નજાફીએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની બોર્ડ મીટિંગમાં પત્રકારોને જણાવ્યું કે “અમેરિકા અને ઈઝરાયલે ફરીથી ઈરાનના શાંતિપૂર્ણ અને દેખરેખ હેઠળની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો.” આ મામલે રોઈટર્સ દ્વારા પૂછવામાં આવ્યું કે કઈ પરમાણુ સાઈટને નિશાન બનાવવામાં આવી છે ત્યારે રઝી નજફીએ જણાવ્યું નટાન્ઝ પરમાણુ સાઈટ પર હુમલો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી એટલે કે IAEAના ૩૫ દેશના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં નજફી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઈરાને આ હુમલાને તેની શાંતિપૂર્ણ ચાલી રહેલી પરમાણુ ગતિવિધિઓ પર સીધો હુમલો જણાવ્યો. ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન બાદ સંગઠન દ્વારા માનવામાં આવ્યું કે રેડિએશનના ખતરાને આ મુદ્દે નકારી ન શકાય. જાેકે આ મામલે અમેરિકા કે ઈઝરાયલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ પર દબાણ બનાવવા આ ઈરાનનો એક પ્રયાસ હોઈ શકે. આ પહેલા દુબઈમાં આવેલી ઓઈલ રિફાઈનરી અરામકો પર ઈરાને હુમલો કરી દીધો છે. આપને જણાવી દઈએ કે આ દુનિયાની સૌથી મોટી તેલ કંપની છે. સાથે જ ઈરાન દ્વારા ઈઝરાયેલ, કતાર અને બહેરીન પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સાઉદી અરબ દ્વારા સરકારી તેલ કંપની અરામકો પર ડ્રોન હુમલા બાદ રાસ તનુરા તેલ રિફાઈનરીને બંધ કરી દીધી છે. જેથી એવી માહિતી પણ સામે આવી છે કે બ્રેંટ ક્રૂડ ઓઈલની કિંમત ૯.૩૨ ટકા વધી જવાની છે.
જે જગ્યાએ ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તે જગ્યા સાઉદીની સૌથી સ્ટ્રેટેજિક સાઈટ પૈકીની એક છે. આ હુમલા બાદ પ્રોસેસિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી ગઈ હતી. જાેકે એવી માહિતી સામે આવી છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો અને કોઈ જાનહાનિ નથી થઈ. જાેકે આ ઘટના જરૂરી એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચિંતાનો વિષય બની છે. સાઉદીના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અલ અરબિયા ટીવીથી કહ્યું કે આ હુમલામાં કોઈ સામાન્ય નાગરિક ઘાયલ નથી થયા. સાથે જ તેમણે કહ્યું અરામકોના રાસ તનુરા પર ૨ ડ્રોન રોકવામાં આવ્યા હતા. જાેકે આ પરિસ્થિતિને લઈને વિશ્વમાં ૪ વર્ષ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. કારણકે હોર્મુજ સ્ટ્રેટથી વેપાર રોકાઈ ગયો છે. આ એક એવો રસ્તો છે જ્યાંથી રોજ દુનિયાના પાંચમા હિસ્સાનું કાચું તેલ જાય છે.




