
ભટાર અને વેડરોડ પર આગની જ્વાળાઓ સુરત શહેરમાં ગત રાત્રિના સમયે આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી રાત્રિના સમયે આગ લાગતા આસપાસના રહિવાસોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા
સુરત શહેરમાં ગત રાત્રિના સમયે આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના ભટાર રોડ અને વેડરોડ વિસ્તારમાં આવેલા બે કારખાનાઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મશીનરી અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
પ્રથમ ઘટના ભટાર રોડ પર બની હતી, જ્યાં એક એમ્બ્રોઈડરીના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે બીજી ઘટના વેડરોડ વિસ્તારમાં બની હતી, જ્યાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. રાત્રિના સમયે આગ લાગતા આસપાસના રહિવાસોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો અલગ-અલગ ફાયર સ્ટેશનોથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. જાેકે, કાપડ અને કેમિકલ જેવી જ્વલનશીલ વસ્તુઓને કારણે આગ ઝડપથી પ્રસરી હતી.
આ ભીષણ આગમાં કારખાનામાં રહેલી મોંઘીદાટ એમ્બ્રોઈડરી અને લુમ્સની મશીનરીઓ તેમજ તૈયાર અને કાચું કાપડ બળીને રાખ થઈ ગયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે, રાત્રિના સમયે કારખાનામાં કોઈ શ્રમિક હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.




