
આમ આદમી પાર્ટી ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામની અધ્યક્ષતામાં નીકળેલી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રાને મોટી સંખ્યામાં ખેડૂતોનો સહયોગ મળી રહ્યો છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી. અહીં AAP ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે વિવિધ સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેટલીક સભાઓમાં અમે બે કલાક મોડા પહોંચ્યા હોવા છતાં લોકો મોડી રાત સુધી બેસીને ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે રાહ જોતા હતા. ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક મુદ્દાઓ બાબતે બંને સભાઓમાં ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી. સભામાં અમુક મહિલાઓ સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે ગામડાઓમાં પીવાનું પાણી મળતું નથી. દારૂ સરળતાથી મળી જાય છે, પરંતુ પીવાનું પાણી મળતું નથી. ત્રણસો રૂપિયાનો દારૂ મળી જાય છે, પરંતુ પીવાના પાણી માટે અમારે પાંચસો રૂપિયામાં ટેન્કર ખરીદવું પડે છે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. ઘણા વિસ્તારોમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ખૂબ મોટો છે. વર્ષોથી ચર્ચા થાય છે છતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. સુરેન્દ્રનગર શહેરની વાત કરીએ તો અહીં ધોળીધજા ડેમ પૂરતો ભરેલો હોવા છતાં શહેરના લોકોને પાંચ દિવસે પાણી મળે છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. શહેરમાં ગટર સંબંધિત સમસ્યાઓ પણ ગંભીર છે. આ પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સિવાય અન્ય કોઈ કામ કરતી નથી. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને સુરેન્દ્રનગરની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. આ યાત્રા આજે સુરેન્દ્રનગરથી આગળ પ્રસ્થાન કરશે અને 8મી તારીખે ગાંધીનગરના ખાડિયા ખાતે પહોંચશે. ત્યાં આ યાત્રાનું સમાપન અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં થશે. 8મી તારીખે બપોરે 3 વાગ્યે રામકથા ગ્રાઉન્ડ ખાતે ખેડૂતો માટે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલજી હાજર રહેશે.
AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા આ યાત્રા મારફતે સંદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે પાર્ટી અગાઉ પણ લડી હતી અને ભવિષ્યમાં પણ લડતી રહેશે. આ યાત્રા દ્વારા ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરશે. સાથે સાથે ખેડૂતો અને જનતાના પ્રશ્નો ઉઠાવવાની કામગીરી ચાલુ રાખશે. જો ખેડૂતોના મુદ્દાઓ માટે કોઈપણ વ્યક્તિ અવાજ ઉઠાવે તો અમે તેનું સ્વાગત કરીએ છીએ. ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવો અમારો હક અને ફરજ છે.
સિંચાઈના પાણી અંગે સરકાર દ્વારા વર્ષો પહેલા યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ થયું નથી. માત્ર સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય તો ખેડૂતોના બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે એવું નથી. પીવાના પાણીનો પ્રશ્ન, પાકને યોગ્ય ભાવ ન મળવાનો પ્રશ્ન, સમયસર ખાતર ન મળવાનો પ્રશ્ન સહિત અનેક મુદ્દાઓ ખેડૂતોને અસર કરે છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો સંતોષી નહીં થાય. એક મુદ્દો ઉકેલાઈ જાય તે પૂરતું નથી, તમામ પ્રશ્નોનો ઉકેલ આવવો જરૂરી છે. અમારો ધ્યેય છે કે ભાજપના કુશાસનમાંથી ગુજરાતના ખેડૂતોને બચાવવાનો અને ખેડૂતોને ન્યાય અપાવવાનો. “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રાનો મુખ્ય હેતુ પણ એ જ છે.




