
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓનો આંકડો વધતો જઈ રહ્યો છે તેમાં હવે સાબરમતી વિસ્તારનો પણ સમાવેશ થઈ ગયો છે. સાબરમતી વિસ્તારમાં આવેલી ધર્મનગર વિભાગ -૨ સોસાયટીમાં આજે સાંજના સુમારે ઘરફોડ ચોરી થતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સાંજના સુમારે લગભગ સાડા છથી આઠ વાગ્યા દરમિયાન ઉપરોક્ત સોસાયટીના મકાન નંબર ૧૫૩ માં ઘરફોડ ચોરીની ઘટના નોધાઈ હતી.
આ સોસાયટીની બાજુમાંથી જ મેટ્રો ટ્રેન પસાર થાય છે અને બાજુમાં સાબરમતી રેલવે સ્ટેશન આવેલું છે તેમજ માત્ર ૨૦૦ મીટર દૂર ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે તેવા સતત ધમધમતા વિસ્તારમાં ઘરફોડ ચોરીથી લોકોમાં ફફડાટની સાથે પોલીસ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.
સાબરમતીના રહેવાસીઓ આવા સમયે પૂર્વ પીઆઈ પુવાર સાહેબને યાદ કરવાનું ભૂલતા નથી એક એ સમય હતો કે આ સમગ્ર વિસ્તારમાં ગુનેગારોને નો એન્ટ્રી હતી અને લોકો સુખચેનથી રહેતા હતા લોકોમાં કચવાટ એ બાબતનો છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પોલીસની હાજરી ક્યાંય જણાતી જ નથી અને એના કારણે આવા અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે




