
અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું અમદાવાદમાં વૈજ્ઞાનિક કોલમ ઉભા કરાશે પાઈપલાઈન પરનું દબાણ ઘટશે અને માર્ગો સુરક્ષિત રહેશે તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે
શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં ૬૯૧ વૈજ્ઞાનિક ‘વેન્ટિલેશન કોલમ‘ ઊભા કરાશે. આ કોલમ દ્વારા મીથેન અને કાર્બન મોનોક્સાઈડ જેવા વાયુઓને સુરક્ષિત રીતે આકાશમાં મુક્ત કરવામાં આવશે, જેથી પાઈપલાઈન પરનું દબાણ ઘટશે અને માર્ગો સુરક્ષિત રહેશે. તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે.
અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું હોવાથી તેમાં ઝેરી ગેસ જમા થવાની સમસ્યા વકરી હતી. આ ગેસના દબાણ અને રાસાયણિક પ્રતિક્રિયાને કારણે સીવેજ લાઈનો ક્ષતિગ્રસ્ત થતી હતી, જેના પરિણામે રસ્તાઓ પર મોટા ભૂવા પડવાની ઘટનાઓ વારંવાર બનતી. આ જાેખમ ટાળવા માટે કોર્પોરેશન હવે રસ્તાની સપાટીથી ખાસ્સી ઊંચાઈએ ગેસ રિલીઝ થાય તેવા વિશેષ વેન્ટિલેશન કોલમ તૈયાર કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ શહેરના તમામ ઝોનમાં કામગીરી પ્રગતિમાં છે, જે પૈકી ૪૪૬ જેટલા કોલમ કાર્યરત થઈ ચૂક્યા છે. આ કોલમ પાઈપની અંદર ઉદ્ભવતા વાયુઓને ઊંચાઈ પર છોડીને લાઈનનું આયુષ્ય વધારે છે અને ગેસના કારણે પાઈપ ડૅમેજ થવાની પ્રક્રિયાને અટકાવે છે. આ પદ્ધતિથી ડ્રેનેજ સિસ્ટમની જાળવણી વધુ સરળ અને જાેખમમુક્ત બની છે. ટેકનોલોજીના આ વિશિષ્ટ પ્રયોગથી શહેરના આંતરમાળખાને નવી મજબૂતી મળી છે. સીવેજ નેટવર્કની ક્ષમતા સુધરતા રસ્તાઓ પરના ભૂવાનું જાેખમ ઘટ્યું છે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ અભિગમ આધુનિક એન્જિનિયરિંગ અને શહેરી સુવિધા વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.




