
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો દાવો વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં પહેલાથી જ ખામીઓ હતી આ વિમાનને ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને તેનું P100 પાવર પેનલ પણ બદલવામાં આવ્યું હતું જૂન ૨૦૨૫માં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના, જેમાં ૨૬૦ થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકાના એવિએશન સેફ્ટી ફાઉન્ડેશને આરોપ લગાવ્યો છે કે, તપાસ અધિકારીઓને દુર્ઘટના સાથે જાેડાયેલા કેટલાક અત્યંત મહત્વના દસ્તાવેજાે સોંપવામાં આવ્યા નહોતા.
એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈડી પિયરસને તપાસકર્તાઓને મોકલેલા ઈમેલમાં દાવો કર્યો છે કે, તેમના હાથમાં કેટલાક એવા ગુપ્ત દસ્તાવેજાે આવ્યા છે જે દુર્ઘટનાનું અસલી કારણ ઈલેક્ટ્રિક ફેલ્યોર હોવાનું દર્શાવે છે. પિયરસનના દાવા અનુસાર બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર (VT-ANB) વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં દુર્ઘટનાના લાંબા સમય પહેલાથી જ ખામીઓ હતી. વિમાનમાં વારંવાર શોર્ટ સર્કિટ, ધુમાડો નીકળવો અને વાયરિંગની સમસ્યાઓ નોંધાઈ હતી. આ વિમાનને ઈલેક્ટ્રિક ફોલ્ટના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને તેનું P100 પાવર પેનલ પણ બદલવામાં આવ્યું હતું.
પિયરસને ગંભીર આરોપ લગાવ્યો છે કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ઘટનાના નવ મહિના પહેલા કોઈ ભલામણ કરી નહોતી. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસકર્તાઓએ એવું નેરેટિવ સેટ કર્યું જેનાથી બધી જવાબદારી પાયલટ પર આવી જાય, જ્યારે હકીકતમાં વિમાનને ડિઝાઈન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂર હતી. જાે આ દાવા સાચા સાબિત થાય, તો ૨૬૦ લોકોના મોત માટે જવાબદાર કોણ? તે સવાલ ફરી એકવાર ગુંજતો થયો છે.




