
ચાંદખેડામાં ચાલતું નેટવર્ક અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું આ ટોળકી કેનેડા રેવન્યુ એજન્સી અથવા બેન્કના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને વિદેશી નાગરિકોને ફોન કરતી અમદાવાદ સાયબર ક્રાઇમે ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ પર આવેલા સોંપાન હાઈટ્સના એક મકાનમાં દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અહીંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર શખસોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખોની ઠગાઈ આચરતા હતા. મળતી માહિતી અનુસાર, આ ટોળકી કેનેડા રેવન્યુ એજન્સી અથવા બેન્કના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને વિદેશી નાગરિકોને ફોન કરતી હતી અને તેમના બેન્ક એકાઉન્ટ જાેખમમાં હોવાનો ડર બતાવી વિશ્વાસમાં લેતી હતી. ખાસ સોફ્ટવેર અને નકલી ડિજિટલ આઈડીનો ઉપયોગ કરીને તેઓ સામેની વ્યક્તિની અંગત વિગતો મેળવી લેતા અને ત્યારબાદ એકાઉન્ટ સુરક્ષિત કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા પડાવી લેતા હતા. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ઠગાઈ કરવા માટે તૈયાર રાખેલી સ્ક્રિપ્ટ, ૬ લેપટોપ, ૫ મોબાઈલ ફોન અને હેડફોન સહિત કુલ ૧.૮૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ છેતરપિંડીના નાણાં શિવાંગ નામના યુવકના ખાતામાં ટ્રાન્સફર થતા હતા, જે હાલ પોલીસ પકડથી દૂર છે. સાયબર ક્રાઇમે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને ફરાર પાંચમા સાથીદારની શોધખોળ તેજ કરી છે અને આ નેટવર્ક અન્ય કેટલા દેશો કે શહેરોમાં ફેલાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી છે.




