
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અમારી સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસની મિટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો નક્કી કર્યા છે. આ નામોને લઈને અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આગામી ૨૪ તારીખે સાંજે રાજકોટમાં બંને નેતાઓ પહોંચશે અને ત્યાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક યોજાશે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, 25મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 26મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીની ઉપસ્થિતિમાં “વિજય વિશ્વાસ સંમેલન” યોજાશે, જે ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. 27મી તારીખે દાહોદ ખાતે પણ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ચાર દિવસના પ્રવાસનો ભાગ છે, જેમાં અરવિંદ કેજરીવાલજી, ભગવંત માનજી અને આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ વિવિધ સ્થળોએ જનસભાઓ અને રેલીઓને સંબોધિત કરશે. દાહોદમાં પણ અંદાજે 50 થી 70 હજાર લોકોની વિશાળ રેલી યોજાશે, જેમાં નેતાઓ જનતાને સંબોધન કરશે.




