
ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ન તો જમીન જેવી વ્યવસ્થાઓ હતી અને ન તો આજ જેવી સંવિધાનિક પ્રણાલીઓ હતી. તે સમયમાં સમાજ નાના-નાના જૂથોમાં વહેંચાયેલો હતો, જેમ કે કબીલા, અને દરેક કબીલાની પોતાની પરંપરાઓ, પદ્ધતિઓ અને રૂઢિઓ હતી. લોકો પોતાના નિયમો મુજબ લગ્ન, છૂટાછેડા અને પરિવાર વ્યવસ્થા ચલાવતા હતા. સમય જતાં સમાજ વિકાસ પામ્યો અને છેલ્લા હજારો વર્ષોમાં પ્રગતિ કરીને આજના આધુનિક સંવિધાન સુધી પહોંચ્યો. ત્યારબાદ રાજ્ય અને સરકાર દ્વારા કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા કે લોકો ક્યાં, કેવી રીતે અને ક્યારે લગ્ન કરશે અને અન્ય સામાજિક બાબતો કેવી રીતે સંચાલિત થશે. મેં વિધાનસભામાં કહ્યું કે જો આપણે સંવિધાનના આર્ટિકલ 44નો હવાલો આપી યુસીસી લાવવા માંગીએ છીએ, તો સાથે સાથે આર્ટિકલ 46નું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમાં તમામ બાળકોને સમાન શિક્ષણ અને પછાત વર્ગોના કલ્યાણની વાત કરવામાં આવી છે. પરંતુ સરકારનું ધ્યાન આ મુદ્દાઓ પર ઓછું છે. ગરીબ અને પછાત વર્ગના બાળકો ક્યાં ભણે અને તેમની શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે સુધરે તે અંગે પૂરતી ચિંતા દેખાતી નથી. આ ઉપરાંત, આર્ટિકલ 43માં મજૂરોના કલ્યાણ માટે વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં આદિવાસી અને મજૂર વર્ગના લોકો ખેતી અને ઉદ્યોગમાં કામ કરે છે, પરંતુ તેમના જીવનમાં સમાનતા અને સુધારો લાવવા માટે પૂરતા પગલાં લેવાતા નથી. યુસીસી કાયદામાં પણ કેટલીક ગૂંચવણો છે. કાયદામાં લખ્યું છે કે આદિવાસી સમાજને યુસીસી લાગુ નહીં પડે, પરંતુ જો આદિવાસી વ્યક્તિ નોન-આદિવાસી સાથે લગ્ન કરે તો કયો કાયદો લાગુ પડશે તે સ્પષ્ટ નથી. એક વ્યક્તિ પર કાયદો લાગુ પડે અને બીજા પર નહીં પડે, તો આવી સ્થિતિમાં નિયમો કેવી રીતે લાગુ કરવાના તે અંગે સરકાર સ્પષ્ટતા કરતી નથી. તે ઉપરાંત, કાયદામાં 60 દિવસમાં લગ્નની નોંધણી ફરજિયાત કરવાની વાત છે. પરંતુ ગુજરાતમાં ઘણા ભટકતા અને વિમુક્ત જાતિના લોકો છે, જેમની પાસે કાયમી સરનામું નથી. તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ રોજગાર માટે જતા રહે છે. આવા લોકો માટે આ નિયમ કેવી રીતે લાગુ પડશે તે પણ પ્રશ્ન છે. આ ઉપરાંત, સરકારે બહુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે, પરંતુ હાલની મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિમાં એક પરિવાર ચલાવવો પણ મુશ્કેલ બની ગયો છે. યુવાનોને નોકરી મળતી નથી, લાખો લોકો નોકરી માટે ફોર્મ ભરે છે. આવી પરિસ્થિતિમાં આવા કાયદાઓ લાવવાની જગ્યાએ રોજગાર અને શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં એવો કોઈ માણસ નહીં હોય જેને મહાભારતની કથા સાંભળેલી ન હોય. મહાભારતમાં કર્ણનું પાત્ર છે. તેનો જન્મ માતા કુંતિના ગર્ભેથી થયો હતો. કુંતિ અને સૂર્યદેવના પુત્ર તરીકે કર્ણને માનવામાં આવ્યો. મહાભારતમાં પાંડવો શાસક સ્થિતિમાં હતા, છતાં કર્ણને તેનું યોગ્ય સ્થાન મળ્યું નહીં. શું કારણ? કારણ કે સમાજે તેને ગેરકાયદેસર જન્મનો ગણાવ્યો અને તેને સ્વીકાર્યો નહીં. હવે ગુજરાતની વિધાનસભામાં ભાજપ સરકાર એક બિલ લઈને આવી છે કે એક છોકરો અને એક છોકરી લગ્ન કર્યા વગર લીવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે અને તેને નોંધણી પણ કરાવી શકે છે. લીવ-ઇન રિલેશનશિપ એટલે કે એવો સંબંધ જેમાં કોઈ જવાબદારી નહીં, કોઈ બંધન નહીં—જ્યાં સુધી ફાવે ત્યાં સુધી રહેવું અને પછી અલગ થઈ જવું. ઘણા કેસોમાં છોકરો-છોકરી બે-ત્રણ વર્ષ સુધી લીવ-ઇન રિલેશનશિપમાં રહે છે અને પછી છોકરો કહે છે કે આ તો લગ્ન નથી, એટલે હું જવાબદાર નથી. ત્યારે છોકરી શું કરે? સરકાર પાસે તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. મેં પ્રશ્ન પૂછ્યો કે સરકારે લીવ-ઇન રિલેશનશિપ માટે નિયમ બનાવ્યા છે. યુસીસી કાયદા હેઠળ જો કોઈ છોકરો અને છોકરી લગ્ન કર્યા વગર લીવ-ઇન રિલેશનશિપ રજીસ્ટર કરે, તો એમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માનવામાં આવશે, એવું ભાજપ સરકારે કહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ બાળકોની જવાબદારી કોણ લેશે? જો બે વર્ષ પછી સંબંધ તૂટી જાય, તો બાળક ક્યાં જશે? આ પરિસ્થિતિ એવી બની શકે છે કે દરેક જગ્યાએ આવા બાળકો માટે અલગ વ્યવસ્થા કરવી પડે. એટલે કોઈપણ કાયદો બનાવતા પહેલા સમાજના હિત અને માનવતાનો વિચાર કરવો જોઈએ. આ આખા યુસીસી કાયદામાં આ સૌથી મહત્વનો મુદ્દો છે, જેના કારણે સરકાર મારી ઉપર નારાજ છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે લગ્ન નોંધણી અધિનિયમ જે છે, તેને સરકાર રદ કરવા જઈ રહી છે. થોડા દિવસ પહેલાં ગુજરાતના ગૃહમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર લગ્ન નોંધણી અધિનિયમ, 2006માં સુધારો કરશે. હવે આ સુધારા માટે વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે અને તે ત્રીસ દિવસની મર્યાદામાં આપવાના છે. હજુ આ ત્રીસ દિવસની મર્યાદા ચાલુ છે અને કાયદા માટે વાંધા-સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. એ વચ્ચે જ સરકાર કાયદો રદ કરવાની વાત કરે છે. એનો અર્થ એ થયો કે સરકારમાં કોઈ સ્પષ્ટતા નથી એક તરફ વાંધા મંગાવવામાં આવે છે અને બીજી તરફ કાયદો રદ કરવાની વાત થાય છે. મેં સ્પષ્ટ રીતે રજૂ કર્યું છે કે જો લગ્ન નોંધણી અધિનિયમ, 2006 રદ થઈ જાય, તો તેની અંદરની તમામ પ્રક્રિયાઓ પણ રદ થઈ જશે. કારણ કે કાયદો હોય તો જ તેની અમલવારીની પ્રક્રિયા હોય. કાયદો ન હોય તો પ્રક્રિયાનો પ્રશ્ન જ રહેતો નથી. ગૃહમંત્રીએ અગાઉ કહ્યું હતું કે કોઈ પણ ગુજરાતની દીકરી સાથે અન્યાય નહીં થાય અને જો કોઈ ખોટું કરશે તો કડક કાર્યવાહી થશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ કાયદો રદ કર્યા પછી એ વાતોનો અર્થ શું રહે છે? સરકાર એક તરફ કહે છે કે છોકરીના માતા-પિતાને જાણ કરવામાં આવશે, ત્રીસ દિવસની મર્યાદા રહેશે અને પછી જ નોંધણી થશે. બીજી તરફ એવી પણ ચર્ચા હતી કે લગ્ન નોંધણીનો અધિકાર કલેક્ટર પાસેથી લઈને તાલુકા પંચાયતને આપવામાં આવશે. પરંતુ હવે કાયદો જ રદ કરવામાં આવે છે. એવું લાગે છે કે સરકારે લીંબડાની ડાળ પર ઝૂલો બાંધવાનો કહ્યું હતું, પણ હવે લીંબડો જ કાપી નાખ્યો,તો ઝૂલો ક્યાં બાંધશો? આ સમગ્ર પરિસ્થિતિ ખૂબ જ દુઃખદ છે. સરકાર સમાન નાગરિક કાયદાની વાત કરે છે, પરંતુ તેમાં સમાનતા ક્યાં છે? એક મજૂરના બાળક અને મુખ્યમંત્રીના બાળકને સમાન શિક્ષણ મળે છે? સમાન શાળા, સમાન શિક્ષક અને સમાન સુવિધા મળે છે? જો નહીં, તો સમાનતાની વાત કેવી રીતે કરી શકાય? ગુજરાતના ખેડૂતને દિવસે વીજળી મળતી નથી, જ્યારે ઉદ્યોગોને, દુકાનોને અને ઓફિસોને દિવસે વીજળી મળે છે. તો આ સમાનતા ક્યાં છે? સરકારી વિભાગોમાં પણ સમાનતા નથી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓ વચ્ચે ભારે તફાવત છે. એક જ કામ માટે અલગ અલગ પગાર મળે છે. પોલીસ વિભાગમાં પણ હોમગાર્ડ, કોન્સ્ટેબલ અને અન્ય કર્મચારીઓ વચ્ચે પગાર અને માન-સન્માનમાં તફાવત છે. જો ખરેખર સમાન નાગરિક કાયદો લાવવો હોય, તો શિક્ષણ, આરોગ્ય, રસ્તા, રોજગાર અને સરકારી નોકરીમાં સમાનતા લાવવી જોઈએ. આજે મેં વિધાનસભામાં મારી વિનંતી રાખી છે કે આ કાયદામાં જરૂરી સુધારા કરીને જનતાને સાચો લાભ મળે. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે યુસીસી (સમાન નાગરિક કાયદા)ના નામે શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને રોજગારમાં સમાનતા લાવતો કાયદા લાવવામાં આવે.




