
બે લાખથી વધુ લોકોની ચિંતા વધી યુદ્ધને કારણે LPG અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ વડોદરા શહેર તેમજ જિલ્લામાં ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લાંબી લાઈનો લાગી મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ગેસના સિલિન્ડરની છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ખેંચતાણથી વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે. કેમકે, પીજી તરીકે રહેતા વિદ્યાર્થી-નોકરિયાતો જ્યા રહે છે, ત્યા નાના પાયે ચાલતા રસોડામાં કે પછી બહાર રેસ્ટોરન્ટમાં જમતા હોય છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી તેમને પણ જમવાની મુશ્કેલી સર્જાઈ શકે છે.અમદાવાદમાં હાલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. જેમાંથી મોટાભાગના ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, વસ્ત્રાપુર અને શ્યામલ વિસ્તારમાં છે. હાલ આ પીજીમાં ગેસ સિલિન્ડરને લઈને કોઈ સમસ્યા સર્જાઈ નથી. પરંતુ તેના સંચાલકો અને પીજીમાં રહેતા લોકોમાં એક ચિંતા વ્યાપી ગઈ છે.
બીજી તરફ વડોદરામાં પીજીના વિદ્યાર્થીઓ માટે નાના પાયે ચાલતા રસોડા બંધ થવાના આરે છે. કારણ કે તેમની પાસે ગેસ સિલિન્ડર નથી. કેટલાક પીજી સંચાલકો રસોડા ચલાવવા માટે કોલસાથી ચાલતી ભઠ્ઠી ખરીદવાની મથામણ કરી રહ્યા છે. તેઓ જે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યાં પણ અનિશ્ચિતતાનો માહોલ છે. રેસ્ટોરન્ટના સંચાલકોએ વિદ્યાર્થીઓને કહી દીધું છે કે, ‘જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી જમવાનું બનાવીશું. પછી શું થશે તેની ખબર નથી.’ભુજ, ગાંધીધામ સહિત કચ્છમાં ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછતના માહોલ વચ્ચે બે દિવસથી લોકોમાં ડર સર્જાયો છે. જ્યારે બાવડામાં પુરવઠા વિભાગે દરોડો પાડીને સંગ્રહખોરોનો પર્દાફાશ કર્યાે હતો. ગાંધીધામમાં પણ ગેરકાયદે રિફિલિંગની પ્રવૃત્તિ પકડાઈ હતી અને ૩૦ બાટલા કબજે કરાયા છે. ગાંધીધામમાં બીજા દિવસે ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની કતારો લાગી હતી. ઓનલાઇન બુકિંગ થતું ન હોવાથી લોકો વિતરક એજન્સીની બહાર લાઈનો લગાવી રહ્યા છે. ગેસના બાટલા નહીં મળે તેવી ભીતિથી હોટલ રેસ્ટોરન્ટના માલિકો પણ એડવાન્સમાં બોટલ મેળવવા ધંધે લાગ્યા છે.રાંધણ ગેસનો પુરતો પુરવઠો હોવાની સરકારની જાહેરાત છતાં લોકોમાં ઉચાટ છે. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા સુરતના કડોદરામાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ભવિષ્યમાં ગેસની તંગી સર્જાશે તેવા ભયને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેને પરિણામે ગેસ એજન્સીઓ પર સિલિન્ડર મેળવવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.વડોદરા શહેર તેમજ જિલ્લામાં ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લાંબી લાઈનો લાગી રહી છે. જ્યારે બીજી બાજુ લારીઓ પર ખુલ્લેઆમ ઘરગથ્થુ ગેસ બોટલોનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક લોકો પાસે ગેસનો બોટલ હોવા છતાં તાત્કાલિક બીજાે બોટલ મેળવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા છે. જ્યારે કોમર્શિયલ ગેસ બોટલો પર નિયંત્રણોના કારણે તેનો સપ્લાય, વપરાશ ઘટ્યો છે.રાજકોટમાં જરૂરી એલપીજી ગેસનો પુરવઠો નહીં જળવાતા યુદ્ધના એક સપ્તાહમાં જ હોટલ-રેસ્ટોરાંથી માંડીને અન્ય ઉદ્યોગો ઉપર સંકટ સર્જાઈ છે. રાજકોટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ ખોરવાતા હોટલ-રેસ્ટોરાંના સંચાલકોએ વિકલ્પમાં કોલસાના ચુલા લેવાનું શરૂ કરતા તેના ભાવ બમણા થઈ ગયા છે.સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજની ન્યૂ બોયઝ હોસ્ટેલની મેસ ગેસ સિલિન્ડરના અભાવે મેચ બંધ કરવાનો વારો આવ્યો હતો. અહીંયા સવાર સાંજ થઈને ૮૦૦ વિદ્યાર્થીઓ જમતા હતા. આ મેસ બંધ થતા તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.




