
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજના હળહળતા કળિયુગમાં સગા સંતાનો પ્રોપર્ટી, પૈસા અને દાગીના માટે સગા મા-બાપને ત્રાસ આપવાનું છોડતા નથી તો કેટલાક કિસ્સાઓમાં તો મોતને ઘાટ ઉતારવાના બનાવો પણ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં ચમક્યા છે અને ચમકતા રહે છે.
ત્યારે લીમડામાં એક ડાળ મીઠી જેવો કિસ્સો રાજસ્થાનના ખેરવા ગામમાં બન્યો છે. આ વાત છે રાજસ્થાનના પાલી જિલ્લામાં ખેરવા ગામમાં અનાજના એક વેપારીએ ઈમાનદારીની મિસાલ રજૂ કરી હતી.તેણે ઘઉંની બોરીમાંથી માટે મળેલા ૧૫ લાખ રૂપિયાના ઘરેણા ખેડૂતને પાછા આપ્યા હતા. વાત એમ હતી કે ધીસારામ નામના ખેડૂતે ઘરમાં ઘઉંનો પાક લણીને એની ગૂણીઓ ભરી રાખી હતી. ઘરમાં કામ ચાલતું હોય ત્યારે બહારના લોકોની અવર-જવર વધુ હોવાથી ખેડૂત પત્નીએ ઘરમાં રહેલા ઘરેણા સુરક્ષિત રાખવા માટે ઘઉંની ગૂણીમાં એક ડબ્બો ભરીને મૂકી દીધા હતા.
જોકે એક દિવસ ધીસારામે પત્નીના જાણ બહાર એ ઘઉંની ગૂણીઓ કાઢીને નજીકના શહેરમાં જઈને અનાજના વેપારીને વેચી દીધી. ૫૦-૫૦ કિલો ની બે ગૂણી જ્યારે મંગુખાને ખરીદી ત્યારે તેને પણ અંદાજ ન હતો કે એમાંથી તેને આટલો મોટો દલ્લો મળશે. એ તો ૧૫ માર્ચે જ્યારે મંગુખાને લોટ દળવા માટે ઘઉં કાઢયા ત્યારે એમાંથી ટિફિનનો સ્ટીલ નો ડબ્બો નીકળ્યો તેને લાગ્યો કે પત્ની ડબ્બો ભૂલી ગઈ હશે એટલે તેણે પત્નીને પૂછ્યું ત્યારે મંગુખાનની પત્ની એ કહ્યું કે મને આવા કોઈ ટિફિનની ખબર નથી એટલે મંગુખાને ટિફિન ખોલ્યું જોયું તો અંદરથી સોનાના ઘરેણાં નીકળ્યા. જો આ પોતાની પત્નીના નથી તો ચોક્કસ પેલા ઘીસારામ ખેડૂતના જ હોઈ શકે. મંગુખાને જરાય લાલચ મનમાં લાવ્યા વિના ઘીસારામને ઘરેણા ભરેલો ડબ્બો પાછો આપ્યો. ઘીસારામ તેની પત્ની ગદગદ થઈ ગયા અને આખા ગામને આ વાતની નવાઈ લાગી એટલે જ કહેવાય છે કે પ્રામાણિકતા મરી પરવારી નથી. પરંતુ આજે પણ જીવંત છે.




