
સ્થાનિકોમાં ફફડાટ નવાબંદરના દરિયાકાંઠે ચારથી પાંચ બોટમાં લાગી ભીષણ આગ ફાયર ફાઇટરને જાણ કરાતા કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવી : મોટી જાનહાનિ ટળી ઉના નવાબંદરના દરિયાકાંઠે ચારથી પાંચ જેટલી બોટમાં ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગને કારણે ચારથી પાંચ ફિશીંગ બોટો બળીને ખાખ થઈ ગઈ છે. આ ભીષણ આગને જાેતા સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, ફાયર ફાઇટરને જાણ કરાતા કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાની સાથે નવાબંદર પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના ઉનાના તાલુકાના નવાબંદર ગામમાં મોટી જાનહાનિ ટળી છે. આજે નવાબંદરના દરિયાકાંઠે લાંગરેલી ચારથી પાંચ બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક દ્વારા ઉના ફાયર ફાઇટરને જાણ કરતા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી ગઈ છે.
આગ પર કાબૂ મેળવી લેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ બાદ સ્થાનિકોએ જણાવ્યું છે કે, બોટમાં આગ લાગવાને કારણે બોટના માલિકોને લાખોનું નુકસાન થયું છે. જાેકે, કોઈને પણ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. હાલ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.




