
સટોડિયાએ માસ્ટર આઇડી સાથે સ્ટેડિયમમાં બેસીને સોદા કર્યા IPL મેચ પર અનેક જગ્યાએ સટ્ટો રમતા સટોડિયા ઝડપાયા
તમામ લોકો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીએલ મેચ પર સટ્ટો રમતા હતા વસ્ત્રાપુરમાં આવેલા એક બંગલોમાં ક્રાઇમ બ્રાંચે રેડ પાડીને ક્રિકેટ મેચના સટ્ટા માટે આઇડી ખરીદીને વેચાણ કરતા છ આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ વિવિધ વિસ્તારોમાંથી મેચના દિવસે પણ સટોડિયાઓની પોલીસે ધરપકડ કરી છે. સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાંથી પોલીસે સટોડિયાઓને ઝડપી પાડ્યા છે.
આ તમામ લોકો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીએલ મેચ પર સટ્ટો રમતા હતા. પકડાયેલામાંથી એક આરોપી તો માસ્ટર આઇડી સાથે સ્ટેડિયમમાં બેસીને સોદા કર્યા હોવાનું ખૂલ્યું છે.શનિવારે યોજાયેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીએલ મેચ પર સટ્ટો રમતા અનેક સટોડિયા પોલીસના હાથે ઝડપાયા છે. પોલીસે કાળીગામ તળાવ પાસેથી ધવલ મહેતા (રહે. પૂર્ણપુરષોત્તમ સોસા., રાણીપ)ને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી મળેલા ફોનમાં સટ્ટાના સોદા મળી આવ્યા હતા. તેની પૂછપરછમાં રાણીપમાં રહેતા અનિલ ઠાકોર પાસેથી આઇડી ખરીદ્યું હોવાનું જણાયું છે. જ્યારે પોલીસે મોટેરામાંથી અરુણ સોની (રહે. નવા વાડજ)ને પણ સટ્ટો રમતા ઝડપી લીધો હતો. આરોપીએ સોશિયલ મીડિયામાં આવતી વેબસાઇટ પરથી આઇડી ખરીદ્યું હોવાનું જણાયું છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે બ્લોકમાં અપર બેઠકમાંથી એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે કલોલના જયેશ લેઉવાને ઝડપી લઇ તેના ફોનની તપાસ કરતા માસ્ટર આઇડી મળ્યું હતું. આરોપી માસ્ટર આઇડી ખરીદીને નીચેના ગ્રાહકોને વિવિધ આઇડી આપતો હતો.




