
ટ્રમ્પે કહ્યું- આપણી વચ્ચે જ કોઈ ભેદી વ્યક્તિ ઈરાનમાં લીક થઈ ગયો હતો અમેરિકાનો રેસ્ક્યૂ મિશન પ્લાન! ૨ એપ્રિલે ઈરાને પોતાના એરસ્પેસમાં અમેરિકન F-15E લડાયક વિમાનને તોડી પાડ્યું હતું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ઈરાનમાં ફસાયેલા અમેરિકન એરમેનને બચાવવા માટે ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત અને જાેખમી રેસ્ક્યૂ ઓપરેશનની વિગતો જાહેર કરી છે. ટ્રમ્પે આશ્ચર્યજનક દાવો કર્યાે હતો કે, આ સંવેદનશીલ ઓપરેશન દરમિયાન તેમના પ્રશાસનમાંથી જ કોઈ ‘ભેદિયા’એ માહિતી લીક કરી હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આ અજ્ઞાત વ્યક્તિને શોધવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે, કારણ કે આ માહિતી લીક થવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં જાેડાયેલા જવાનો અને ફસાયેલા સૈનિક બંનેની જાન જાેખમમાં મુકાઈ હતી.આ ઘટનાની શરૂઆત ૨ એપ્રિલે થઈ હતી, જ્યારે ઈરાને પોતાના એરસ્પેસમાં અમેરિકન F-15E લડાયક વિમાનને તોડી પાડ્યું હતું. વિમાનમાં સવાર પાયલટને અમેરિકન સેનાએ તાત્કાલિક બચાવી લીધો હતો, પરંતુ બીજા જવાનને શોધવા માટે એક વિશાળ સૈન્ય અભિયાન હાથ ધરવું પડ્યું હતું.
આ ઓપરેશનની ગુપ્ત વિગતો અકાળે જાહેર કરવા બદલ ટ્રમ્પે મીડિયા સામે પણ આકરા તેવર બતાવ્યા છે. તેમણે કોઈ ચોક્કસ સંસ્થાનું નામ લીધા વિના જણાવ્યું કે, જે પત્રકારે આ સમાચાર બ્રેક કર્યા છે તેણે પોતાના સોર્સનું નામ જાહેર કરવું પડશે, અન્યથા તેણે જેલ જવું પડશે. ટ્રમ્પના મતે, આ માહિતી જાહેર થવાથી ઈરાની સુરક્ષા દળો સતર્ક થઈ ગયા હતા કે હજુ પણ એક અમેરિકન જવાન તેમના વિસ્તારમાં હાજર છે.આ રેસ્ક્યૂ ઓપરેશન કેટલું ભવ્ય હતું તેની વિગતો આપતા ટ્રમ્પે જણાવ્યું કે, તેમાં કુલ ૧૫૫ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ૪ બોમ્બર, ૬૪ ફાઇટર જેટ, ૪૮ રિફ્યુલિંગ ટેન્કર અને ૧૩ રેસ્ક્યૂ એરક્રાફ્ટ સામેલ હતા. ઓપરેશનની વ્યૂહનીતિ મુજબ ઈરાની સેનાને ભ્રમિત કરવા માટે ખોટી જગ્યાએ હિલચાલ કરવામાં આવી હતી જેથી જવાન સુધી દુશ્મનો ન પહોંચી શકે. વિમાન ક્રેશ થયા બાદ એરમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને ઘણું લોહી વહી રહ્યું હતું, તેમ છતાં તેણે હિંમત હાર્યા વગર પહાડી વિસ્તાર પાર કર્યાે અને અમેરિકન સુરક્ષા દળો સાથે સંપર્ક સ્થાપી પોતાની લોકેશન શેર કરી હતી, જેના કારણે તેને સલામત રીતે પરત લાવી શકાયો છે.




