
ઓપરેશન હિમ સેતુ હેઠળ ૪૮ કલાક રિસ્ક્યુ કામગીરી કરી સિક્કિમમાં ભૂસ્ખલમાં ફસાયેલા તમામ ૧,૩૨૧ પ્રવાસીઓને બચાવાયા
ખરાબ હવામાન હોવા છતાં ૪૮ કલાકમાં કોઈ દુર્ઘટના વગર સુચારુ રીતે તમામ લોકોને રેસ્ક્યુ કરાયા ઉત્તર સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થતાં ફસાયેલા તમામ ૧,૩૨૧ પ્રવાસીઓ અને ૮૪ સ્થાનિક નાગરિકોને ઇન્ડિયન આર્મીએ ‘ઓપરેશન હિમ સેતુ’ હાથ ધરીને ૪૮ કલાકમાં બચાવી લીધા હતાં. બરફવર્ષા અને ભૂસ્ખલનને કારણે લાચેન અને ચુંગથાંગ વચ્ચેના માર્ગાે બંધ થયા હતાં. આ વિસ્તાર ભારત-ચીન સીમા નજીક આવેલો છે.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે ‘ઓપરેશન હિમ સેતુ’ ઓપરેશન સફળતાપૂર્વક પુરું થયું છે. આ તમામ પ્રવાસીએ લાચેન વિસ્તારમાં ફસાયેલા હતાં. ખરાબ હવામાન હોવા છતાં ૪૮ કલાકમાં કોઈ દુર્ઘટના વગર સુચારુ રીતે તમામ લોકોને રેસ્ક્યુ કરાયા હતાં. કુલ ૧,૩૨૧ પ્રવાસીઓ અને ૮૪ સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ લાચેન-ચુંગથાંગ માર્ગ પર ભૂસ્ખલનથી રસ્તાઓને ભારે નુકસાન થયું હતું, પરંતુ કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરવા માટે ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો. મહત્વના સ્થળોએ રિસેપ્શન સેન્ટર ઉભા કરાયા હતાં, જ્યાં ખોરાક, આશ્રય અને તબીબી સારવાર ઉપલબ્ધ કરાઈ હતી.




