
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અમેરિકા-ઇઝરાયેલે ઈરાન સાથે કરેલા યુદ્ધને કારણે છેલ્લા ઘણા સમયથી આપણા દેશની અર્થવ્યવસ્થા સુસ્ત થઈ ગઈ છે. અને એમાં વધુ મંદ પડી ગઈ છે ત્યારે તાકીદે આનો ઈલાજ કરવામાં નહીં આવે તો હાલ જે રીતે મોંઘવારીએ તો ફાટીને ધુમાડે ગઈ જ છે પરંતુ બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાશે.
બીજું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લગતી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર ફરીથી ગતિ પકડે તેવી હાલ કોઈ તાત્કાલિક શક્યતા દેખાતી નથી. મુખ્ય ઉદ્યોગોના વિકાસ દરમાં ઘટાડો અને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવા સાથે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિની ગતિ પણ ધીમી પડી છે.
વધુમાં નવા બિઝનેસ ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં ધીમી ખરીદીએ રોજગાર સર્જન અને ઉત્પાદનની ગતિ ધીમી કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો થોડા ક્ષેત્રોને બાદ કરતાં મોટા ભાગના ક્ષેત્રોમાં મંદી જોવા મળી રહી છે, જેની સીધી અસર સમગ્ર અર્થતંત્ર પર પડી રહી છે.વધુમાં માંગ અને બજારની સ્થિતિ અંગેની ચિંતાઓને કારણે જૂનમાં રોકાણકારોનો વ્યવસાયિક ભરોસો પણ નબળો પડ્યો છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોએ ભારતીય બજાર પ્રત્યે શંકાશીલ વલણ જાળવી રાખ્યું છે. જેના કારણે વિદેશી રોકાણનો પ્રવાહ સતત ગતિ રહ્યો છે.
સર્વેક્ષણ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં સામાન્ય સ્થિતિમાં પાછા ફરવા અંગેની શક્યતામાં ઘટાડો થયો છે. પરિણામે આગામી વર્ષ દરમિયાન ઉત્પાદનમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. અને ઉત્પાદનમાં વધારો થવાની ધારણા ધરાવતી કંપનીઓનું પ્રમાણ મે મહિનાની સરખામણીમાં જૂનમાં અડધું થઈ ગયું છે. આ સ્થિતિની ગંભીરતા સૂચવી જાય છે.
આમ ઘણી વાર એવું જોવા મળે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાને ટાંકીને ગેસ,પેટ્રોલ,ડીઝલ વગેરેના ભાવમાં વધારો કરવામાં આવે છે. પણ જ્યારે વૈશ્વિક ભાવ ઘટે ત્યારે ગ્રાહકોને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી. હવે ભાવ ઘટી રહ્યા છે ત્યારે કમસેકમ સામાન્ય નાગરિકો માટે જરૂરી એવા આ ઈંધણના ભાવ ઘટે એ ખૂબ જરૂરી છે.




