
ખેડા ભાજપમાં મોટું ગાબડું કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત ૨૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જાેડાયા આ ઘટનાક્રમને પગલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે ખેડા જિલ્લામાં ભાજપના શાસન સામે નારાજગી વ્યક્ત કરી કઠલાલ તાલુકાના ૨૦૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસમાં જાેડાયા છે. ભાજપના સંગઠનમાં વર્ષોથી સક્રિય એવા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા સહિતના આગેવાનોએ ભાજપની નીતિ સામે રોષ ઠાલવી પક્ષ પલટો કર્યો છે. આ ઘટનાક્રમને પગલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનમાં મોટાપાયે અસંતોષની વિગતો સપાટી પર આવી છે. કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રીતે રાજીનામા ધરી દીધા છે. આ કાર્યકરોએ ભાજપને જાકારો આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે પક્ષમાં જાેડાયા હતા. ભાજપનો સાથ છોડનારાઓમાં કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભી તેમજ ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી મુખ્ય છે. આ ઉપરાંત પીઠાઈ બેઠક વિસ્તારના વર્તમાન તાલુકા પંચાયત સભ્યો, પૂર્વ સભ્યો અને સરપંચો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જાેડાયા છે. ભાજપમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કામ કરતા કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે આ સામૂહિક પક્ષ પલટો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને કઠલાલ તાલુકા ભાજપમાં જૂના કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવતા હોવાથી કાર્યકરોમાં ભારે રોષ હતો.
આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, ‘ભાજપની નીતિઓથી કંટાળીને લોકો હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત બાદ અનેક બેઠકો પર કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં ભાજપના પાયાના કાર્યકરોએ પણ પક્ષ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.‘બીજી તરફ લખન ડાભીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૨૨ વર્ષથી ભાજપમાં સક્રિય હતા, પરંતુ હાલમાં પક્ષમાં તાનાશાહી જેવું વાતાવરણ હોવાથી અને કાર્યકરોનું સન્માન જળવાતું ન હોવાથી તેમને આ ર્નિણય લેવાની ફરજ પડી છે.‘




