
દૂધમાં પણ ૦.૫ ટકાનું નુકસાન થયું કૃષિ પાકની ઉપજ બાદ ગોડાઉનના અભાવે કરોડોના કિંમતી પાકનું નુકસાન પાક, શાકભાજી અને બાગાયતી ઉપજના પૂરતા સંગ્રહની વ્યવસ્થા નથી : દાવા માત્ર નામ પૂરતા રાજ્ય સરકારના બજેટમાં ખેડૂતોની કૃષિ ઉપજનો સંગ્રહ કરવા માટે દર વર્ષે ગોડાઉનની ક્ષમતા વધારવાની અને તે માટે પ્રોત્સાહન આપવાના દાવા થાય છે.
તેની બીજી તરફ લણણી થઇ ગયા બાદ ખેડૂતોનો કરોડો રૂપિયાનો કિંમતી પાક યોગ્ય સંગ્રહ અને ગોડાઉનના અભાવે નુકસાન પામી રહ્યો છે. જેમાં ખેડૂતોના વિવિધ કૃષિ પાકથી લઇને બાગાયતી ઉપજનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષાેથી માવઠુ, અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને સતત ફટકો પડી રહ્યો છે. વાવેતર-પાકને નુકસાન ઉપરાંત જમીનના ધોવાણના કારણે પણ ખેડૂતોની હાલત કફોડી થાય છે. સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરાય છે તે પણ અનેક કિસ્સામાં વાસ્તવિક નુકસાન કરતા ઓછુ હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા થાય છે. આવી કુદરતી આપત્તિઓ બાદ પણ જે પાક ઉગે છે તેમાંથી કેટલોક હિસ્સો પૂરતી સંગ્રહશક્તિની વ્યવસ્થા કે ગોડાઉનના અભાવે નાશ પામે છે. તેમાં બાજરી, કપાસ, મકાઇ, મગફળી જેવા પાકથી લઇને કેળા જેવા ફળ અને ડુંગળી સહિતના શાકભાજીનો સમાવેશ થાય છે. દૂધમાં પણ ૦.૫ ટકાનું નુકસાન થયું છે. લોકસભામાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમાં અનેક રાજ્યમાં ગુજરાત કરતા ગોડાઉનની વ્યવસ્થા સારી હોવાના કારણે નુકસાન ઓછું છે, તો કેટલાક રાજ્યમાં નુકસાનનું પ્રમાણ ગુજરાત કરતા પણ વધુ હોવાનું જણાવાયું છે. રાજ્યમાં કેટલાક પાકનું જંગી ઉત્પાદન થતું હોવાનું અને કેટલાક વિસ્તારોમાં જે પાકની ભારે ઉપજ થતી હોવા છતાં કૃષિ વિભાગ તે સ્થળે ઉત્પાદનની સરખામણીમાં જરૂરી ગોડાઉન કે યોગ્ય સંગ્રહ ખેડૂતો પાસે થઇ શકે તેવી વ્યવસ્થા કરી શક્યો નહીં હોવાનું પણ આંકડા પરથી સ્પષ્ટ થાય છે.




