
કોઈ તોડી ન શકે તેવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો આશા ભોંસલેએ ૨૦ ભાષામાં ૧૧,૦૦૦થી વધુ ગીતો ગાયા કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોંસલેનું નામ સંગીત જગતમાં આજે પણ અત્યંત આદર સાથે લેવામાં આવે છે ભારતીય સંગીત જગતનાં સુવર્ણ યુગના સાક્ષી અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોંસલેનું નામ આજે પણ અત્યંત આદર સાથે લેવામાં આવે છે. જાેકે, સુરોની આ મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા હવે આપણી વચ્ચે રહ્યાં નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ૧૯૪૦ના દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા આશાતાઈએ માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ પોતાની શૈલીમાં અનેક પ્રયોગો કરીને સંગીતમાં નવા માપદંડો પણ સ્થાપિત કર્યા છે. ૨૦ ભાષાઓમાં ૧૧,૦૦૦થી વધુ ગીતો ગાવાનો તેમનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ આજે પણ અકબંધ છે. સંઘર્ષથી સફળતા સુધીની તેમની આ સફર દરેક કલાકાર માટે પ્રેરણારૂપ છે.
આશા ભોંસલેની સફર અને સંઘર્ષ :- આશા ભોંસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. પંડિત દીનાનાથ મંગેશકરની ત્રીજી પુત્રી આશાએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે પહેલું મરાઠી ગીત ચલા ચલા નવ બાલ ગાયું હતું. જાેકે, તેમને ખરી ઓળખ ૧૬ વર્ષની વયે રાત કી રાની ફિલ્મમાં મળેલા સોલો ગીતથી મળી હતી. સંગીત પરિવારમાંથી હોવા છતાં, ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
લતા દીદી સાથેની સ્પર્ધા અને શૈલીમાં ફેરફાર :- કરિયરની શરૂઆતમાં આશાતાઈનો અવાજ લતા મંગેશકર જેવો જ લાગતો હતો, જેના કારણે લોકો કન્ફ્યુઝ થતા હતા. આશાતાઈએ અનુભવ્યું કે જાે તેઓ દીદીની જેમ જ ગાશે, તો તેમની પોતાની કોઈ ઓળખ નહીં બને. આથી તેમણે જાણી જાેઈને પોતાની ગાવાની શૈલી બદલી. તેમણે અંગ્રેજી ફિલ્મો જાેઈને વેસ્ટર્ન સિંગિંગ શીખી, કવ્વાલી અને ગઝલ પર પકડ મજબૂત કરી અને બોલીવુડના ગીતોને એક નવો અંદાજ આપ્યો.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અને આંતરરાષ્ટ્રીય સન્માન :- વર્ષ ૨૦૧૧માં ૧૧,૦૦૦ થી વધુ ગીતો અને ૨૦થી વધુ ભાષાઓમાં રેકોર્ડિંગ કરવા બદલ આશા ભોંસલેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. એટલું જ નહીં, તેઓ ૨૦૦૫માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનારા પ્રથમ ભારતીય મહિલા સિંગર પણ બન્યા હતા. તેમનો અવાજ આજે ૨૦૨૬માં પણ એટલો જ તાજગીભર્યો અને પ્રભાવશાળી લાગે છે.
બોલ્ડ ગીતો અને વિવાદો :- દમ મારો દમ અને પિયા તુ અબ તો આજા જેવા ગીતો તે સમયમાં અત્યંત બોલ્ડ માનવામાં આવતા હતા.
આશાતાઈએ પોતે સ્વીકાર્યું હતું કે આર.ડી. બર્મન જ્યારે તેમને આવા ગીતો આપતા ત્યારે તેઓ નારાજ થતા હતા. એક કિસ્સા મુજબ, પિયા તુ અબ તો આજા ના રેકોર્ડિંગ વખતે ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી શરમને કારણે સ્ટુડિયો છોડીને જતા રહ્યા હતા. છતાં, આશાતાઈએ આ ગીતોને એવી રીતે ગાયા કે તે આજે પણ હિટ છે.




