
એક જ પ્રોપર્ટી એકથી વધુ લોકોને વેચતો હતો દમણમાં ફ્લેટના નામે કરોડોની છેતરપિંડીમાં બિલ્ડરની ધરપકડ આકર્ષક પ્રેઝન્ટેશન અને લોભામણી ઓફરો આપી તેમણે રોકાણકારો અને ખરીદદારોને વિશ્વાસમાં લીધા હતા શહેરમાં ફરી એકવાર બિલ્ડરનો મોટાપાયે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. થ્રી સ્ટાર હોટલ અને ફ્લેટ પ્રોજેક્ટના નામે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર બિલ્ડરને ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ ટીમે ઝડપી પાડી લીધો છે. આરોપી ભરત ભારવાની અને તેના સાથી વિજય મહેતાએ દમણ વિસ્તારમાં “સ્કાયડેક” નામનો ૧૧ માળનો હોટલ અને ફ્લેટ કોમ્પ્લેક્ષ બનાવવાનો પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ દાવો કર્યો હતો કે, દમણના કથિરીયા ગામે આવેલી જમીન તેમની માલિકીની છે અને ત્યાં આધુનિક સુવિધાઓ સાથે થ્રી સ્ટાર હોટલ તેમજ રહેણાંક ફ્લેટ તૈયાર થશે.
આકર્ષક પ્રેઝન્ટેશન અને લોભામણી ઓફરો આપી તેમણે રોકાણકારો અને ખરીદદારોને વિશ્વાસમાં લીધા હતા. “એડવાન્સ બુકિંગ”ના નામે ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી કુલ રૂપિયા ૧.૦૭ કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી. રોકાણકારોને ફ્લેટ આપવાની જગ્યાએ આરોપીએ માત્ર અધૂરું કામ કરી પ્રોજેક્ટ અટકાવી દીધો. વધુમાં, જે ફ્લેટ માટે લોકો પાસેથી નાણા લેવામાં આવ્યા હતા તે જ પ્રોપર્ટી અન્ય લોકોને વેચી નાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ફરિયાદીઓએ વારંવાર નાણા પરત માંગ્યા છતાં આરોપીએ કોઈ જવાબ આપ્યો નહીં અને પૈસા અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. જેથી પીડિતોએ પોલીસનો દરવાજાે ખખડાવ્યો. આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૪૦૯, ૪૨૦, ૧૨૦(B) અને ૩૪ મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપી ભરત ભારવાનીને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીને ૨૧ એપ્રિલે બપોરે અટકમાં લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
ચોંકાવનારી વાત એ છે કે, આરોપી ભરત ભારવાની અગાઉથી જ છેતરપિંડીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. ખટોદરા, અઠવાલાઇન્સ અને સચિન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. ઉપરાંત, તેના સામે ૩૫ ચેક બાઉન્સના કેસો પણ કોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની મોડસ ઓપરન્ડી એકસરખી હતી. તે વિવિધ જગ્યાએ પ્રોજેક્ટ શરૂ કરવાનો દાવો કરી એડવાન્સ બુકિંગના નામે નાણા વસૂલવા અને પછી પ્રોજેક્ટ અધૂરો રાખી લોકોને છેતરતો હતો.આ સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે અને પોલીસ વધુ પીડિતોને આગળ આવવા અપીલ કરી રહી છે.



