
સુરત નજીક બર્ડ ફ્લૂનો ખતરો.નવાપુર–નંદુરબારમાં H5N1 ફાટી નીકળતાં અઢી લાખ મરઘાંનો નિકાલ.પ્રભાવિત વિસ્તારોમાં એક કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં વિશાળ સ્તરે “કુલિંગ ઓપરેશન” હાથ ધરવામાં આવ્યું.સુરતને અડીને આવેલા મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો નવાપુર અને નંદુરબારમાં H5N1 બર્ડ ફ્લૂનો ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. તારીખ ૩૦ એપ્રિલે નવાપુર ખાતે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનું બહાર આવતા સમગ્ર પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ, નવાપુરના પોલ્ટ્રી ફાર્મમાં અચાનક મરઘાંના મોત વધતાં સંચાલકો દ્વારા મહારાષ્ટ્રના પશુ ચિકિત્સાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પશુ ચિકિત્સક અધિકારીઓએ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી અને મરઘાંના સેમ્પલ લઈ ભોપાલની લેબોરેટરીમાં મોકલ્યા હતા. લેબ રિપોર્ટમાં H5N1 વાયરસની પુષ્ટિ થતાં જ તંત્રએ તાત્કાલિક કડક પગલાં ભર્યાં.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર અને નંદુરબારના પ્રભાવિત વિસ્તારોમાં એક કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં વિશાળ સ્તરે “કુલિંગ ઓપરેશન” હાથ ધરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન અંદાજે ૨.૫ લાખ જેટલા મરઘાંનો નિકાલ કરવામાં આવ્યો છે, જેથી વાયરસના ફેલાવાને રોકી શકાય. જિલ્લા કલેક્ટર દ્વારા બર્ડ ફ્લૂની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને પ્રભાવિત વિસ્તારોને નિયંત્રણ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને પ્રતિ મરઘા દીઠ રૂ.૧૪૦નું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જાેકે, પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન આ વળતરથી અસંતોષ વ્યક્ત કરી રહ્યું છે. એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે એક મરઘા ઉછેરવાનો ખર્ચ વધુ હોય છે, તેથી રૂ.૧૪૦નું વળતર પૂરતું નથી.
આ બર્ડ ફ્લૂની અસર માત્ર મહારાષ્ટ્ર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર સીધી સુરતના બજારો પર પણ પડી રહી છે. નવાપુરમાંથી રોજબરોજ મોટા પ્રમાણમાં ઈંડાનો સપ્લાય સુરત શહેરમાં થતો હતો. અંદાજે રૂ.૫૦ લાખના ઈંડા રોજ સુરત પહોંચતા હતા, પરંતુ હાલ સપ્લાય બંધ થતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
આરીફભાઈએ વધુમાં જણાવ્યું કે, મરઘાં અને ઈંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સપ્લાય ચેઇન ખોરવાઈ જતા બજારમાં અછત અને ભાવવધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ગુજરાત આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ પણ સતર્ક બની ગયા છે. સરહદી વિસ્તારોમાં ચકાસણી વધારવામાં આવી છે અને સંભવિત જાેખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા પગલાં કડક બનાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. યોગ્ય રીતે રાંધેલા મરઘાં અને ઈંડા ખાવાથી કોઈ જાેખમ નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. બર્ડ ફ્લૂની આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે, પશુપાલન ક્ષેત્રમાં બાયો-સિક્યોરિટી અને સમયસર તપાસ કેટલા મહત્વપૂર્ણ છે. હાલ પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ પગલાં લેવામાં આવી શકે છે.



