
વાહન ચેકિંગ દરમિયાન બાઇક પર ગાંજાે લઈ જતા ત્રણ જણા પકડાયા પોશીના પોલીસે ૨.૬૬ લાખનો ૫ કિલો ગાંજાે ઝડપ્યો
પોલીસે ગાંજાે, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૩,૦૨,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો પોશીના પોલીસે બાતમી આધારે ત્રણ જણાને ૨.૬૬ લાખની કિંમતના પાંચ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાઇક, ગાંજાે અને મોબાઇલ મળી કુલ ૩.૦૨ લાખનો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પોશીના પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન. સાધુ સ્ટાફના માણસો સાથે પોશીના પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગમાં હતા.
તે દરમિયાન બાઇક ઉપર બે ઇસમો પોશીના બજાર તરફથી આવી રહ્યા હતા. જે શંકાસ્પદ લાગતાં તેમને રોકાવી તપાસ કરતાં તેમની પાસે રહેલા બે થેલાઓમાં શકમંદ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાે હતો. પોલીસે રૂ.૨,૬૬,૪૦૦ની કિંમતનો ૫.૩૨૮ કિ.ગ્રા. સુકો ગાંજાે જપ્ત કરી બાઇક પર રહેલા બંનેને ઝડપી લીધા હતા. પોલીસે ગાંજાે, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. ૩,૦૨,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા હર્સિત રમેશભાઈ જાદવ (રહે. મગોડી, તા.જિ.ગાંધીનગર), મશરૂ રામાભાઇ ગમાર (રહે. અજાવાસ, તા. પોશીના)ને ઝડપી લીધા હતા. પોલીસની પુછપરછમાં ગાંજાે વાલાભાઈ બાબુભાઈ ગમાર (રહે. અજાવાસ, તા. પોશીના)એ આપ્યો હોવાનું જણાવતાં પોલીસે વાલાભાઈને પણ તેના ઘરેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.




