
દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભવ્ય શપથ ગ્રહણ.હિમંતા બિસ્વા સરમાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.અગાઉ ૨૦૧૬માં સર્બાનંદ સોનોવાલ અને ૨૦૨૧માં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં શરૂ થયો હતો.
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે હિમંતા બિસ્વા સરમાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે. ગુવાહાટીમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આસામમાં આ NDA સરકારનો સતત ત્રીજાે કાર્યકાળ છે, જે અગાઉ ૨૦૧૬માં સર્બાનંદ સોનોવાલ અને ૨૦૨૧માં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં શરૂ થયો હતો.
આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન પણ હાજર રહ્યા હતા. હિમંતા બિસ્વા સરમાની સાથે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરન બોરો અને અજંતા નિયોગ જેવા દિગ્ગજ નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ પ્રસંગે ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.હિમંતા બિસ્વા સરમાનો રાજકીય પ્રવાસ અત્યંત પ્રેરણાદાયી રહ્યો છે. તેમનું શિક્ષણ ગુવાહાટીમાં થયું છે, જ્યાં તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં MA અને ત્યારબાદ ગુવાહાટી યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી છે. તેમણે થોડો સમય હાઇકોર્ટમાં વકીલાત પણ કરી હતી. તેમની રાજકીય કારકિર્દી કોટન કોલેજમાં છાત્ર સંઘના મહાસચિવ તરીકે શરૂ થઈ હતી. ૧૯૯૦ના દાયકામાં કોંગ્રેસમાં જાેડાયા બાદ તેઓ ૨૦૦૧માં જાલુકબારી બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા અને ત્યારથી આ બેઠક પર સતત જીતતા આવ્યા છે.વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા બાદ હિમંતા બિસ્વા સરમાએ પૂર્વોત્તર ભારતમાં ભાજપને મજબૂત કરવામાં પાયાની ભૂમિકા ભજવી છે. તેમને ‘નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ‘ (NEDA)ના સંયોજક બનાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પ્રાદેશિક પક્ષોને ભાજપ સાથે જાેડીને પૂર્વોત્તરમાં ભગવો લહેરાવવામાં સફળતા મેળવી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે પૂર્વોત્તરમાં ભાજપના વધતા પ્રભાવ પાછળ સરમાની સચોટ વ્યૂહનીતિ અને સખત મહેનત સૌથી મોટું કારણ છે.



