
સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ઈવેન્ટ ઓર્ગેનાઇઝર શ્યામકાનુ મહંત વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધાઈ.બોલિવૂડના જાણીતા ગાયક અને ફિલ્મ ગેંગસ્ટરના સુપરહિટ ગીત સિંગર ઝુબીન ગર્ગનું નિધન નહીં, પણ હત્યા થઈ હોવાની આશંકા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમનું શુક્રવારે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન એક દુર્ઘટનામાં નિધન થયું હતું. જાેકે આ ઘટના મામલે શંકાઓ વધી રહી છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમના નિધન અંગે ઊંડી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા સાથે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ઈવેન્ટ ઓર્ગેનાઇઝર શ્યામકાનુ મહંત વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. આસામના મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આ તમામ એફઆઈઆર સીઆઈડીને સોંપવાનો અને એક સંયુક્ત કેસ નોંધીને સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઝુબિન ગર્ગનું મોત થયા બાદ પરિવાર અને આસામના લાખો ચાહકો શોકમાં છે. તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગની હાલત ખરાબ છે અને ખુદ આસામના મુખ્યમંત્રીએ પણ તેમના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને દોષિતોને કડકમાં કડક સજા મળશે.
પ્રથમ એફઆઈઆર આસામના મોરીગાંવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે, ગીત ગાવાના બહાને ઝુબિનને સિંગાપોર લઈ જવાયા અને ષડયંત્ર હેઠળ હત્યા કરવામાં આવી. આ આરોપના કારણે મામલો વધુ ગરમાયો છે. એફઆઈઆરમાં બેદરકારીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે શ્યામકાનુ અને સિદ્ધાર્થએ ઝુબિનને લાઈફ જેકેટ વગર પાણીમાં કૂદવા કહ્યું હતું, જે એક બેદરકારી છે. આ કારણે એવું માનવામાં આવે છે કે આ કોઈ સામાન્ય દુર્ઘટના નહોતી, પરંતુ એક ષડયંત્ર હેઠળનું કૃત્ય હતું. ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર ૨૧ સપ્ટેમ્બરે આસામમાં કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ ૨૦ સપ્ટેમ્બરે સિંગાપોરથી દિલ્હી લવાશે. આ માટે ખુદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા દિલ્હી જઈ રહ્યા છે. દિલ્હીથી પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. ત્યાર બાદ, ગુવાહાટીના સારુસજાઈ સ્ટેડિયમમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
