
યુનિયને કરી જાહેરાત નવી દિલ્હીમાં ઓટો અને ટેક્સી ચાલકો દ્વારા ત્રણ દિવસીય હડતાળ અનેક ડ્રાઈવરોને દૈનિક આવકમાંથી વાહન લોન, જાળવણી ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી હોવાનું પણ જણાવાયું છે
નવી દિલ્હીમાં ઓટો અને ટેક્સી ચાલકો દ્વારા ત્રણ દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવતા મુસાફરોની મુશ્કેલીઓ વધી શકે છે. ઓટો-ટેક્સી યુનિયને ૨૧ મેથી ૨૩ મે સુધી હડતાળ રાખવાનો ર્નિણય જાહેર કર્યો છે. યુનિયનના જણાવ્યા મુજબ વધતા ઈંધણના ભાવ, વાહન જાળવણી ખર્ચ અને રોજિંદા ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક ર્નિણય લેવામાં આવ્યો નથી.
યુનિયનના નેતાઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સીએનજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ડ્રાઈવરો પર આર્થિક બોજ વધી ગયો છે. હાલના ભાડા દર મુજબ કમાણી કરવી મુશ્કેલ બની રહી છે. અનેક ડ્રાઈવરોને દૈનિક આવકમાંથી વાહન લોન, જાળવણી ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી હોવાનું પણ જણાવાયું છે.
આ હડતાળ દરમિયાન દિલ્હીમાં હજારો ઓટો રિક્ષા અને ટેક્સી રસ્તાઓ પરથી ગાયબ રહેવાની શક્યતા છે. જેના કારણે ઓફિસ જતાં લોકો, વિદ્યાર્થીઓ અને એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન તરફ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન જાહેર પરિવહન પર વધારાનો ભાર જાેવા મળી શકે છે.
યુનિયને સરકારને ચેતવણી આપી છે કે જાે તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ દિલ્હી સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. મુસાફરોને આગામી ત્રણ દિવસ માટે વિકલ્પિક પરિવહનની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.



