
કોઈમ્બતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી પ્રેમીએ યુવતીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો સતત છોકરીને ફોન કરીને હેરાન કરતો હતો અને ફરીથી વાત કરવા માટે દબાણ કરી રહ્યો હતો તમિલનાડુના કોઈમ્બતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. અહીં એક યુવતી દ્વારા વાત કરવાની ના પાડવા પર એક માથાફરેલા યુવકે એવું ભયાનક પગલું ભર્યું કે આખા વિસ્તારમાં ડરનો માહોલ બની ગયો છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને યુવતીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ, પીડિત યુવતીની મુલાકાત કાર્તિક ઉર્ફે મરિઅપ્પન નામના યુવક સાથે કોલેજ દરમિયાન થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી, પરંતુ થોડા સમય પછી છોકરીને ખબર પડી કે કાર્તિક એક હિસ્ટ્રીશીટર છે અને તેની સામે ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ જાણ્યા પછી યુવતીએ તેનાથી અંતર બનાવી લીધું અને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.યુવતીએ સંબંધ પૂરો કરી દીધો તે આરોપીને મંજૂર નહોતું. એવું કહેવાય છે કે તે સતત છોકરીને ફોન કરીને હેરાન કરતો હતો અને ફરીથી વાત કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે છોકરીએ તેની વાત ન માની, તો તેનો ગુસ્સો વધતો ગયો.
રવિવારની સાંજે મામલો ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો. આરોપી પોતાના ત્રણ સાથીદારો સાથે બે બાઇક પર સવાર થઈને યુવતીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતા જ તેમણે છોકરીના પિતા સાથે ગેરવર્તણૂક કરી હતી. આરોપ છે કે તેમણે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી આરોપીઓએ દારૂની બોટલોમાં પેટ્રોલ ભરીને બનાવેલા દેશી બોમ્બ ઘર તરફ ફેંક્યા હતા.
હુમલા દરમિયાન એક પેટ્રોલ બોમ્બ ઘરના આગળના ભાગે ફાટ્યો હતો, જેનાથી તરત જ આગ લાગી ગઈ. આગની ઝપેટમાં આવીને ઘરની બહાર રાખેલું શૂ-રેક અને ઘણો સામાન બળી ગયો હતો. નજીકમાં પાર્ક કરેલું એક ટૂ-વ્હીલર પણ ઝપેટમાં આવી ગયું હતું. જાે કે રાહતની વાત એ છે કે, તે સમયે પરિવારના સભ્યો સુરક્ષિત રહ્યા અને કોઈ મોટી દુર્ઘટના ન થઈ.
ઘટના પછી પોલીસે વિસ્તારના CCTV કેમેરાની તપાસ કરી હતી. ફૂટેજમાં આરોપી અને તેના સાથીદારો પહેલા પેટ્રોલ ખરીદતા અને પછી ઘર પર હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.



