
બહાર પડાયું જાહેરનામું.૧ જૂનથી જામનગરના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ.માછીમારોની જાનમાલનું જાેખમ અટકાવવા નિર્ણય.આગામી ચોમાસાની ઋતુના આગમનને પગલે જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ચોમાસા દરમિયાન દરિયામાં સર્જાતી પ્રતિકૂળ પરિસ્થિતિ અને તોફાની હવામાનને ધ્યાને રાખીને, જામનગરના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરવા પર આગામી ૧ જૂનથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
માછીમારોની સુરક્ષા તેમજ જાનમાલનું નુકસાન અટકાવવાના આશય સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ૧ જૂનથી લઈને ૩૧ જુલાઈ સુધી દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટેની બોટોની અવરજવર પર સદંતર મનાઈ ફરમાવવામાં આવી છે.
ચોમાસા દરમિયાન દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાને કારણે માછીમારો માટે જીવનું જાેખમ વધી જતું હોય છે. ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં અનેક બોટો ફસાવવાની કે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આથી, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક એરિયાને આવરી લેતું આ કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, તંત્ર દ્વારા તમામ માછીમારોને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અને નિયત સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.



