
ભારત-નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક PM બાલેન શાહનો બ્રિટનને વચ્ચે લાવવા માટેનો પ્રસ્તાવ તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સાથેના સરહદી પ્રશ્નો ટેબલ ટોક અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ ઉકેલવામાં આવશે
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે રવિવારે ભારત સાથેના સરહદી વિવાદો અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સાથેના સરહદી પ્રશ્નો ટેબલ ટોક અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ ઉકેલવામાં આવશે.
પીએમ બાલેન્દ્ર શાહે આ સરહદી વિવાદોમાં યુનાઇટેડ કિંગડમને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે તર્ક આપ્યો કે વર્તમાન સરહદોના નિર્ધારણમાં બ્રિટિશ શાસનકાળની ભૂમિકા મહત્વની છે. શાહે કહ્યું, “જ્યારે તેઓ બ્રિટિશ ભારત છોડી રહ્યા હતા, ત્યારે આ સમસ્યા આવનારી પેઢીઓ પર છોડી દેવામાં આવી હતી, જેના કારણે અમને લાગે છે કે ઇંગ્લેન્ડે પણ આ બાબતે ચિંતિત હોવું જાેઈએ.” તેમણે ઉમેર્યું કે, “આ તમામ મુદ્દાઓ ટેબલ ટોક અને રાજદ્વારી માધ્યમો દ્વારા ઉકેલવામાં આવશે.” શાહના મતે, નેપાળે ભારત સાથે પહેલેથી જ રાજદ્વારી નોટ્સની આપ-લે કરી છે. બંને દેશો એક રોડમેપ પર સહમત થયા છે, જેમાં બંને દેશોના ઈતિહાસકારો, સર્વેયરો અને પ્રાદેશિક નિષ્ણાતોને વિવાદિત વિસ્તારો સાથે જાેડાયેલા ભૌગોલિક અને ઐતિહાસિક રેકોર્ડ્સની તપાસ કરવા માટે સામેલ કરવામાં આવશે.
આ નિવેદન કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા પ્રદેશોને લઈને ચાલી રહેલા મતભેદો વચ્ચે આવ્યું છે. નોંધનીય છે કે, ૨૦૨૦માં નેપાળે એક સુધારેલો રાજકીય નકશો પ્રકાશિત કર્યો હતો, જેમાં આ વિસ્તારોને નેપાળનો ભાગ ગણાવવામાં આવ્યા હતા. જાેકે, ભારતે આ પગલાને ફગાવી દેતા કહ્યું હતું કે આ નકશામાં ભારતીય પ્રદેશના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત સરકારે તાજેતરમાં ફરીથી પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ, જેમાં અનિર્ણિત સરહદી બાબતોનો સમાવેશ થાય છે, તેના પર વાતચીત અને કૂટનીતિ દ્વારા જાેડાવા તૈયાર છે. કૈલાશ માનસરોવર યાત્રાના સંદર્ભમાં નેપાળના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, લિપુલેખ પાસ ૧૯૫૪થી કૈલાશ માનસરોવર યાત્રા માટેનો લાંબા સમયથી ચાલતો માર્ગ છે અને આ માર્ગ દ્વારા યાત્રા દાયકાઓથી ચાલી રહી છે. આ કોઈ નવી ઘટના નથી.
નેપાળના પ્રાદેશિક દાવાઓ પર તેમણે વધુમાં કહ્યું, પ્રાદેશિક દાવાઓના સંદર્ભમાં, ભારતનું સતત માનવું રહ્યું છે કે આવા દાવાઓ ન તો ન્યાયી છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત છે. આવા એકપક્ષીય અને કૃત્રિમ દાવાઓ અસ્વીકાર્ય છે. ભારત સરકાર અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે સરહદી મુદ્દાઓ રાજદ્વારી સંવાદ દ્વારા ઉકેલાવા જાેઈએ, જે બંને દેશો વચ્ચેની સમજૂતી મુજબ યોગ્ય છે.



