
૧૦ જિલ્લામાં કરા સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સવાર સુધીમાં કુલ ૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો : સૌથી વધુ મહીસાગરના વીરપુરમાં ૧.૧૪ ઇંચ મે મહિનાની કાળઝાળ ગરમીમાંથી હવે આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આકરા ઉનાળાના અંતિમ દિવસો વચ્ચે હવે વરસાદના આગમનના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ત્યારે શનિવારની મોડી રાતથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના બુલેટિન અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. આજે અમદાવાદ આઈપીએલની મેચમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જાેવા મળશે. આજે અમદાવાદનું તાપમાન ૪૦ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. સમગ્ર રાજ્યમાં હજુ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે.
ચોમાસું હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને ત્રણ દિવસ બાદ હવે ફરીથી ચોમાસાએ ગતિ પકડી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે વરસાદ પડવા પાછળ ત્રણ સિસ્ટમ જવાબદાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે હાલ ગુજરાતના મોટા ભાગમાં વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં છ દિવસ પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ૪૦થી ૫૦ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૦ ડિગ્રી રહેવાની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં શનિવારે સાંજથી આજે સવાર સુધીમાં કુલ ૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગરના વીરપુરમાં ૧.૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મહીસાગરના મોડાસામાં ૧.૧૦ ઇંચ અને પંચમહાલના શહેરા તથા અરવલ્લીના ભીલોડામાં ૦.૯૪ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, સાબરકાંઠા તથા પંચમહાલ અને દાહોદમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
પહેલી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પહેલી તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.



