
કહ્યું- આપણે પ્રતિસ્પર્ધી નહીં સહયોગી છીએ! પુતિને ભારતની પ્રશંસા કરતાં ચીનમાં પણ સૂર બદલાયા બેઇજિંગે સ્પષ્ટ કર્યું કે, ભારત અને ચીન એકબીજાના પ્રતિદ્વંદ્વી કે વિરોધી તાકાતો નથી, પરંતુ સહયોગી ભાગીદારો છે ભારત અને ચીનના સંબંધોને લઈને બેઇજિંગ (ચીન) તરફથી એક મોટું અને હકારાત્મક નિવેદન સામે આવ્યું છે. ચીને જણાવ્યું છે કે, બંને દેશોએ એકબીજાને પ્રતિદ્વંદ્વી (હરીફ) તરીકે જાેવાને બદલે સહયોગી ભાગીદાર તરીકે જાેવા જાેઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની ટિપ્પણી બાદ આવેલું ચીનનું આ નિવેદન એશિયાઈ ભૌગોલિક-રાજકીય ક્ષેત્રે નવા સંકેતો આપી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી સોમવારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે, બંને દેશોએ યોગ્ય વ્યૂહાત્મક વિચારસરણી પર કાયમ રહેવું જાેઈએ. બેઇજિંગે સ્પષ્ટ કર્યું કે, ભારત અને ચીન એકબીજાના પ્રતિદ્વંદ્વી કે વિરોધી તાકાતો નથી, પરંતુ સહયોગી ભાગીદારો છે, અને એકબીજાના વિકાસ માટે અવસર સમાન છે, કોઈ ખતરો નથી.
ચીનની આ પ્રતિક્રિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના નિવેદન બાદ આવી છે. પુતિને ભારત અને ચીન સાથે રશિયાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરીને બંને દેશો વચ્ચેના સંવાદ અને સહયોગની પ્રશંસા કરી હતી. આ ટિપ્પણી અંગે જ્યારે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રતિક્રિયા આપી હતી.
લિન જિયાને ભારત અને ચીનને સહયોગી ભાગીદાર ગણાવતા સંબંધોને લાંબાગાળાના અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધારવાની વકીલાત કરી છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં ભારત-ચીન સરહદ પર સ્થિતિ સામાન્ય રીતે સ્થિર છે, અને બંને દેશો વચ્ચે વાતચીતના માધ્યમો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વચ્ચેના સ્થિર અને હકારાત્મક સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર એશિયા ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, બંને પક્ષોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ઊંચાઈ અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી જાેવાની જરૂર છે. પરસ્પર વિશ્વાસ મજબૂત કરવો, સહયોગનો વિસ્તાર કરવો અને મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા એ સમયની માંગ છે. આવું કરવાથી જ ચીન અને ભારત પોતાના સંબંધોના તંદુરસ્ત અને સ્થિર વિકાસને આગળ વધારી શકે છે.
ભારત દ્વારા અવારનવાર પાકિસ્તાન અને ચીનની નજીકની ભાગીદારી અંગે વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ પર પણ બેઇજિંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ચીન ભારત અને પાકિસ્તાન બંને સાથે સંવાદ જાળવી રાખવાનો પક્ષકાર છે અને બંને દેશો વાતચીત તેમજ પરામર્શ દ્વારા પોતાના મતભેદોનો ઉકેલ લાવે તે માટે પ્રોત્સાહિત કરે છે.
ભારત, ચીન અને રશિયાના ત્રિકોણીય સંબંધો (RIC) પર પણ ચીને હકારાત્મક સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે, ત્રણેય દેશો ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે, અને તેમની વચ્ચેના સારા સંબંધો માત્ર તેમના પોતાના રાષ્ટ્રીય હિતો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પણ ફાયદાકારક છે. ચીન, રશિયા અને ભારત સાથે સંવાદ જાળવી રાખવા અને ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવા હંમેશાં તૈયાર છે.



