
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને આધાર કાર્ડ મેળવતા રોકવા ર્નિણય.આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને નવાં આધાર કાર્ડ નહીં મળે.રાજ્યમાં આધાર કાર્ડ ઇશ્યુ કરવાનો દર કેટલાક જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ થઈ ગયો છે.આસામની ભાજપ સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો ર્નિણય લીધો છે. આ ર્નિણય અંગે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને નવા આધાર કાર્ડ આપવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ દ્વારા આ દસ્તાવેજ મેળવતા રોકવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. જાે કોઈ અપવાદરૂપ કેસ હોય, તો જિલ્લા કમિશનરે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવી પડશે, ત્યારબાદ પાત્રતા ચકાસીને સરકાર ર્નિણય લેશે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આધાર કાર્ડ ઇશ્યુ કરવાનો દર કેટલાક જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે. જાે કે, ચા જનજાતિ સમુદાય, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે આધાર કાર્ડની પ્રક્રિયા ચાલુ રહેશે, કારણ કે ઘણા લોકોને હજુ પણ કાર્ડ મળવાના બાકી છે. જાેકે, ૧ એપ્રિલ, ૨૦૨૭થી આ સમુદાયો માટે પણ ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે આધાર કાર્ડની સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ૧૮વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડની પ્રક્રિયા ચાલુ રહેશે.આ ઉપરાંત, કેબિનેટે રાજ્યમાં નવા ગ્રામીણ રોજગાર યોજનાનો કાયદો(વીબી-જી રામ-જી કાયદો)ના અમલીકરણને પણ મંજૂરી આપી છે, જે ૧ જુલાઈથી લાગુ થશે. આ માટે ૨૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે હેઠળ ૧૨૫ દિવસના વેતન રોજગારનું સર્જન કરવામાં આવશે. સાથે જ, ગુવાહાટીની આસપાસ સેટેલાઇટ શહેરોના આયોજન અને વિકાસ માટે ‘ગુવાહાટી સેટેલાઇટ સિટીઝ ડેવલપમેન્ટ ઓથોરિટી’ની સ્થાપના કરવામાં આવશે.



