
નર્મદા જિલ્લા ચીકદા તાલુકાના પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળા ઉમરાણ ખાતે “જનકલ્યાણ શિબિર” અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિવિધ ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. તેમણે જણાવ્યું કે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા, આરોગ્ય સંબંધિત પ્રશ્નો તથા અન્ય વિકાસ સંબંધિત પડકારો છે, જેના નિવારણ માટે સતત કામગીરી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે પણ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. કૃષિ ક્ષેત્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં સબસિડી, ખેતી સાધનો, પશુપાલન, સોલાર પંપસેટ, ટ્રેક્ટર સહાય, બાગાયતી ખેતી, તેમજ અન્ય કૃષિ સાધનો માટે સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે ઘણીવાર ખેડૂતોને આ યોજનાઓની સંપૂર્ણ માહિતી ન મળવાને કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી, તેથી અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર, અધિકારીઓ અને જનતા મળીને કામ કરશે તો વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય છે.



