
બ્રિટિશની બજારોમાં છવાશે ભારતનો સામાન ભારત અને યુકે ડીલથી પાકિસ્તાન-બાંગ્લાદેશ હેરાન આ મોટા ફેરફારથી પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશના વ્યાપારને જાેરદાર આંચકો લાગવો બિલકુલ નક્કી માનવામાં આવી રહ્યો છે ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે આગામી મહિનાની ૧૫ તારીખથી બહુપ્રતીક્ષિત મુક્ત વ્યાપાર કરાર (FTA) સંપૂર્ણપણે અમલમાં આવવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક સમજૂતીના કારણે ગ્લોબલ માર્કેટમાં ભારતની તાકાતમાં મોટો વધારો થશે અને બ્રિટિશ બજારોમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોનો દબદબો જાેવા મળશે. આ ડીલ લાગુ થતાં જ ભારતીય નિકાસકારોને કાપડ, ચોખા અને ફાર્મા સેક્ટરમાં ભારે ટેક્સ છૂટ મળશે. જાેકે, આ મોટા ફેરફારથી પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશના વ્યાપારને જાેરદાર આંચકો લાગવો બિલકુલ નક્કી માનવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી બ્રિટનના રેડીમેડ ગાર્મેન્ટ્સ (કાપડ) માર્કેટમાં બાંગ્લાદેશનો મોટો હિસ્સો રહ્યો છે. પરંતુ આ કરાર બાદ યુકેમાં બાંગ્લાદેશના કુલ નિકાસ પર સીધી કાપ મૂકાશે, જેનાથી તેના આશરે ૨૯૮.૨ મિલિયન ડૉલરના નિકાસ પર ખતરો મંડાશે. આ નુકસાનમાં સિંહફાળો એટલે કે ૨૮૮.૭ મિલિયન ડૉલર માત્ર ટેક્સટાઇલ સેક્ટરમાંથી જ હશે. હવે ભારતીય કાપડ ઉત્પાદનોને ટેક્સમાં મોટી રાહત મળવાને કારણે બ્રિટિશ ખરીદદારો ભારત તરફ વળશે, જેનાથી બાંગ્લાદેશનો બનેલો-બનાવેલો બિઝનેસ ખોરવાઈ જશે. એક અંદાજ મુજબ, બાંગ્લાદેશના કુલ નિકાસમાં લગભગ ૬ ટકાનો ઘટાડો થઈ શકે છે.ગ્લોબલ રાઇસ માર્કેટમાં ભારત પહેલેથી જ અગ્રેસર રહ્યું છે. વર્ષ ૨૦૨૫ના આંકડા અનુસાર, ભારતે યુકેને ૧૪૯.૮મિલિયન ડૉલરના ચોખા વેચ્યા હતા, જ્યારે તેની સામે પાકિસ્તાન માત્ર ૪૩.૩ મિલિયન ડૉલર સુધી જ સીમિત રહ્યું હતું. હવે એફટીએ (FTA) લાગુ થવાથી ભારતીય ચોખા યુકેમાં વધુ સસ્તા થશે, જેના કારણે પાકિસ્તાન માટે ત્યાં ચોખા વેચવા લગભગ અશક્ય બની જશે. આ કરારના લીધે પાકિસ્તાનના અંદાજે ૩૮.૫ મિલિયન ડૉલરના ચોખાના વેપાર પર સીધી અસર પડશે અને તેના કુલ નિકાસને ૨ ટકાનો ફટકો પડશે.
આ કરારનો ફાયદો માત્ર કાપડ કે ચોખા પૂરતો મર્યાદિત નથી, પ્રોસેસ્ડ ફૂડ અને ફાર્માસ્યુટિકલ્સ (દવા) ક્ષેત્રે પણ ભારતીય કંપનીઓ ધૂમ મચાવશે. ભારતની દવાઓ પહેલેથી જ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને યુકેમાં ‘ડ્રગ ફોર્મ્યુલેશન‘ કેટેગરીમાં ભારતનો નિકાસ ૮૮૦ મિલિયન ડૉલરને પાર રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ મુક્ત વ્યાપાર કરાર માત્ર ભારત કે યુકેના દ્વિપક્ષીય વેપારને જ નહીં વધારે, પરંતુ સમગ્ર એશિયાથી યુરોપ તરફ થતા નિકાસના માળખાને બદલી નાખશે, જેનાથી ભારત માટે યુરોપના વિશાળ બજારના દ્વાર ખુલશે.



