
ક્રૂડના ભાવમાં થયેલો વધારો, ઈંધણની રિટેલ કિંમતના ભાવનિયંત્રણને વટાવી જતાં કંપનીઓના નફો સંકાચાયો છે.પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થઈ રહેલી ખોટ ઉપરાંત અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ઉર્જાની કિંમતોમાં થયેલાં વધારાને પરિણામે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીઓને રાંધણ ગેસ એલપીજીના વેચાણ પર રૂ. ૮૦,૦૦૦ કરોડની ખોટ જશે. જ્યારે ફર્ટિલાઈઝર સબસિડી રૂ. ૨.૦૫ લાખ કરોડથી વધીને રૂ.૨.૨૫ લાખ કરોડ થવાની સંભાવના છે. બે મહિના અગાઉ પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયું તે સમયે ક્રૂડનો બેરલ દીઠ ભાવ ૭૦-૭૨ ડોલર જેટલો હતો.વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં નોંધાયેલાં તીવ્ર ઉછાળા છતાં ઈંધણના છૂટક ભાવ સ્થિર રહેવાને કારણે ઓઈલ કંપનીઓના નફા પર માઠી અસર પડી છે. ક્રૂડના બેરલ દીઠ ૧૨૦-૧૨૫ ડોલરના ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલ પરની ઓઈલ કંપનીઓને લીટર દીઠ અનુક્રમે, રૂ.૧૪ અને રૂ.૧૮ની ખોટ સહન કરવી પડી રહી છે. કાચા માલની કિંમત તથા ઉર્જા ખર્ચમાં થયેલા વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ, ફર્ટિલાઈઝર્સ, કેમિકલ્સ તથા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરની નફાકારકતા ખોરવાઈ છે. નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, કિંમતોમાં જાેવાયેલાં તીવ્ર ઉછાળાની અસર ફર્ટિલાઈઝર સેક્ટરમાં પણ જાેવા મળી રહી છે. સલ્ફર અને એમોનિયા જેવા કેમિકલ્સની કિંમતમાં થયેલાં વધારાને કારણે કુદરતી ગેસની કિંમતમાં વધારો થયો છે. યુદ્ધ પહેલાં યુરિયા પૂલની કિંમત એમએમબીટીયુ દીઠ ૧૩ ડોલર હતી, જે વધીને હાલ ૧૯ ડોલર થઈ છે. કાચા માલસામાનની કિંમતમાં થયેલાં નોંધપાત્ર ઉછાળો તથા સબસિડીમાં અપૂરતા સુધારાને લીધે ફર્ટિલાઈઝર કંપનીઓનો નફાકારકતા પર પણ અસર જાેવાશે.



