
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તારીખ 23, 24 અને 25ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. ધોરણ એકમાં બાળકને એડમિશન અપાવીને તેના ફોટા, વિડિયો અને રીલ બનાવીને વાયરલ કરવામાં આવે છે પરંતુ એ જ બાળકો ધોરણ 10 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ લઈને પહોંચે છે કે નહીં, શું એની દેખરેખ સરકાર દ્વારા રાખવામાં આવે છે કે નહીં, આ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે તમે પ્રવેશ તો અપાવો છો, પરંતુ સારા શિક્ષણની ગુણવત્તા, નિયમિત હાજરી, સારુ પરિણામ, શાળામાં સારા ઓરડા, શિક્ષકો છે કે નહીં, શૌચાલય છે કે નહીં, એની દેખરેખ સરકાર રાખતી નથી. પ્રવેશોત્સવ ખાલી એક દિવસનો કાર્યક્રમ બનીને રહી ગયો છે.
વધુમાં મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 16.9% છે, સેકન્ડરીમાં ડ્રોપ આઉટ રેશિયો 20 ટકા છે, આદિવાસી વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયો 20 ટકાથી વધારે છે. મતલબ કે આટલા વર્ષોથી તમારી સરકાર છે છતાં પણ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે. સરકારને કહેવું છે કે ગ્રામ્ય વિસ્તાર હોય કે ગરીબ પરિવાર હોય તે લોકો ધોરણ 9 અને 10 પછી મોટા પ્રમાણમાં શિક્ષણ છોડી રહ્યા છે અને તેઓ રોજગારી તથા મજૂરી તરફ વળી રહ્યા છે. અને અસર ગુજરાતને થવાની છે. જ્ઞાન શક્તિ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાઓ સરકારે બહાર પાડી પરંતુ શું એ યોજનાઓ જમીન સુધી પહોંચી છે કે નહીં, એની તપાસ સરકારે કરવી જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાતની આપણે વાત કરીએ છીએ પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે, ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે, શિક્ષણનું બજેટ વધી રહ્યું છે પરંતુ બાળકોની સંખ્યા વધતી નથી. શિક્ષણની જે ગુણવત્તા ગુજરાતના બાળકોને મળવી જોઈએ એ ગુણવત્તા મળી નથી.



