
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણા દેશમાં નેશનલ ક્રાઈમ બ્યુરો રેકોર્ડ્સ દ્વારા (NCBR) દર વર્ષે આંકડા જારી કરાય છે. જો એ આંકડા નો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર કેટલી મોટી સંખ્યામાં બાળ તસ્કરી થઈ રહી છે.આમાં જો ઘરેથી ભાગી ગયા હોય, અથવા ભૂલા પડી ગયા હોય કે વિખૂટા પડી ગયા હોય એવા બાળકો તો મોટેભાગે મળી આવે છે પરંતુ જેઓ ખરેખર કોઈ ઉઠાંતરી કરનાર ટોળકીનો શિકાર બની ગયા હોય એવા બાળકોનું મળી આવવું ખૂબ જ મુશ્કેલ છે. અને ચોંકાવનારી બાબત તો એ છે કે બાળ તસ્કરીનો આવો અપરાધ દેશભરમાં ઠેર ઠેર ચાલી રહ્યો છે.
આમ દેશમાંથી દરરોજ એટલા બાળકો ગુમ થાય છે કે જો એનો રાષ્ટ્રીય આંકડો ચકાસવામાં આવે તો ચોંકી જવાય. જોકે આજકાલ નવી ટેકનોલોજીના કારણે ઘણા બાળક મળી પણ જાય છે. પરંતુ નહીં મળનારા બાળકોની સંખ્યા પણ ખૂબ મોટી છે જે ચિંતાજનક બાબત છે.
હમણાં થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાંથી પણ બાળ તસ્કરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. કોઈ હોસ્પિટલના સ્ટાફના મેળાપીપણામાં નવજાત શિશુઓની ઊંઠાંતરી થઈ હતી. લાખો રૂપિયામાં બાળકોને વેચીને કમાણી કરતી ગેંગોના સમાચારો છાશવારે ચમકતા જ રહે છે. સરકારના અનેક દાવાઓ છતાં દેશમાં બાળ તસ્કરી હજુ પણ બેકાબું છે. તેનું નેટવર્ક ફક્ત દેશની અંદર જ નહીં પરંતુ સરહદોની પેલે પાર પણ ફેલાયેલું છે. વિવિધ રાજયોમાં કાર્યરત ગેંગ બાળકોથી લઈને નવજાત શિશુઓ સુધીના બાળકોનું અપહરણ કરે છે અને પછી તેમનો વેપાર કરે છે.
અને નવાની વાત તો એ છે કે આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓમાં તબીબી વ્યવસાયીઓ પણ સંકળાયેલા છે. અહીં પ્રશ્ન એ છે કે માનવ તસ્કરી સામે કડક કાયદા હોવા છતાં આ ગેંગ બાળકોનું આટલી સરળતાથી અપહરણ અને વેપાર કેવી રીતે કરે છે? તેમાં કોઈ શંકા નથી કે આ પોલીસ અને ચાંપતી નજર રાખવાની પ્રણાલીમાં ખામી ફરજમાં બેદરકારીનું પરિણામ છે.
વળી હજુ પણ કોને ખબર કેટલી આવી ટોળકીઓ સક્રિય હશે, કેમ કે દેશમાં આજે પણ બાળકોના ગુમ થવાના કે ઉઠાંતરીના બનાવો જારી જ છે.



