
જમ્મુ કાશ્મીર અને દિલ્હી સુધી આંચકા અનુભવાયા અફઘાનિસ્તાનમાં આવ્યો ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન, ભારત, ચીન, તાજિકિસ્તાન જેવા અનેક દેશોમાં અનુભવાયા હતા અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે ૬ વાગ્યાને ૪ મિનિટે ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Centre for Seismology) ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી આશરે ૮૧ કિલોમીટર દૂર, ૩૬.૪૪૨° ઉત્તરી અક્ષાંશ અને ૭૦.૬૭૨° પૂર્વી રેખાંશ પર અને ધરતીની સપાટીથી ૨૧૫ કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપનું કેન્દ્ર ધરતીની સપાટીથી અત્યંત ઊંડાઈએ હોવાના કારણે તેના આંચકા પાકિસ્તાન, ભારતના ઉત્તરી ભાગ, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાન સહિત અનેક દેશોમાં અનુભવાયા હતા.
દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટનામાં હાલમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ધરતીની સપાટીથી વધુ ઊંડાઈએ આવતા ભૂકંપના આંચકા વ્યાપક વિસ્તારમાં અનુભવાય છે, પરંતુ સપાટી પર નુકસાન અપેક્ષાકૃત ઓછું થવાની સંભાવના રહે છે.
અફઘાનિસ્તાનનો હિન્દુકુશ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે અવારનવાર જાેરદાર ભૂકંપ આવતા રહે છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા અને લોકો ગભરાઈને ઘરો તથા ઓફિસોમાંથી બહાર રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ ભાગ્યા.
જમ્મુ-કાશ્મીર પણ ભૂકંપની દ્રષ્ટિએ ઘણું સંવેદનશીલ છે અને અહીં સમયાંતરે હળવાથી મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. ભૂકંપના જાણકાર વૈજ્ઞાનિકો ૬.૨ની તીવ્રતાના ભૂકંપને એક શક્તિશાળી ભૂકંપીય ઘટના માને છે, જે ગંભીર નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે. જાે કે તેની અસર ભૂકંપની ઊંડાઈ અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે.
આ ભૂકંપની સૌથી વધારે અસર ભારતના પહાડી રાજ્ય જમ્મુ કાશ્મીરમાં જાેવા મળી. જેવું સાંજના સમયે ધરતી હલી, ઘાટીના અલગ અલગ જિલ્લામાં અફરા તફરી મચી ગઈ. શ્રીનગર, બારામૂલા, અનંતનાગ અને પૂંછ જેવા વિસ્તારમાં આકરા ઝટકા અનુભવાયા હતા. ઈમારતોમાં રહેતા લોકો સીડીઓથી નીચે ઉતરી ભાગવા લાગ્યા હતા. કાશ્મીર ઘાટી પહેલાથી સીસ્મિક ઝોન ૫ એટલે કે અત્યંત સંવેદનશીલ ભૂકંપ વિસ્તારમાં આવે છએ. એટલા માટે અહીંના લોકો ભૂકંપના નામથી જ ડરી જાય છે.
ખાલી કાશ્મીર જ નહીં પણ દેશની રાજધાની દિલ્હી અને તેનાથી અડીને આવેલા નોઈડા, ગાજિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા.



