
લોહગઢ કિલ્લા પર રીક્રિએટ કરાયો ક્રાઈમ સીન પુણે પોલીસ સિયા ગોયલ અને ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈને પહોંચી પોલીસે ઘટનાસ્થળે આખો ક્રાઈમ સીન રીક્રિએટ કર્યો, જેથી સમજી શકાય કે આ વારદાતને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો
પુણેના ૨૬ વર્ષીય રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલની હત્યાના મામલામાં પોલીસની તપાસ હવે મહત્વના વળાંક પર પહોંચી ગઈ છે. ઘટનાના આશરે ૧૦ દિવસ બાદ રવિવારે પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈ જઈને આખા ઘટનાક્રમને ફરીથી રીક્રિએટ કરાવ્યો. પોલીસ એ સમજવાનો પ્રયત્ન કરી રહી છે કે, આખરે હત્યાવાળા દિવસે બન્નેએ કઈ રીતે આ વારદાતને અંજામ આપ્યો હતો.
પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે જણાવ્યું કે, બન્ને આરોપીઓને એ જ જગ્યાએ લઈ જવામાં આવ્યા, જ્યાંથી કથિત રીતે કેતન અગ્રવાલને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે જઈને એ જાેયું કે, આરોપીઓ કયા રસ્તેથી કિલ્લા સુધી પહોંચ્યા, કઈ જગ્યાએ ઉભા રહ્યા, કઈ રીતે પોતાની યોજનાને અંજામ આપ્યો અને આખી ઘટના કયા ક્રમમાં બની. આ દરમિયાન આરોપીઓની ઘટનાસ્થળે જ પૂછપરછ પણ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા સિયા ગોયલને એ જગ્યાએ લઈ જવામાં આવી જ્યાંથી તેણે કથિત રીતે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને ખીણમાં ધક્કો માર્યો હતો. ત્યારબાદ ચેતન ચૌધરીને પણ અલગથી ઘટનાસ્થળે લઈ જઈને આખા ઘટનાક્રમની તપાસ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, આનાથી આરોપીઓના નિવેદનોની સત્યતા પરખી શકાશે.
આખા ક્રાઈમ સીન રીક્રિએશનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. તપાસ ટીમ એ પણ શોધી રહી છે કે, હત્યા પહેલા બન્ને આરોપીઓ ક્યાં-ક્યાં હાજર હતા, કઈ રીતે તેમણે પોતાની પોઝિશન બનાવી અને ઘટના સમયે શું-શું થયું હતું.
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, વારદાત પહેલા સિયાએ ચેતનને કોઈ ઈશારો કર્યો હતો કે નહીં. સાથે જ એ પણ શોધવામાં આવી રહ્યું છે કે, ચેતન ટિકિટ વગર કિલ્લામાં દાખલ થયો હતો કે નહીં અને શું તે શરૂઆતથી જ બન્નેને ફોલો કરી રહ્યો હતો.
ક્રાઈમ સીન રીક્રિએટ કરાવવા દરમિયાન સુરક્ષાના કારણોસર લોહગઢ કિલ્લાને થોડા સમય માટે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે કોઈપણ બહારની વ્યક્તિની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો હતો જેથી તપાસમાં કોઈ અડચણ ન આવે.



