
૧૫ દિવસમાં માંગ્યો રિપોર્ટ ટેલિગ્રામ પર કેન્દ્ર સરકારનું એક્શન, પાઈરેટેડ ફિલ્મો હટાવવાનો આપ્યો આદેશ ટેલિગ્રામ પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય વિડિયો કન્ટેન્ટની ભરપૂર પાઇરસી થઈ રહી છે ભારત સરકારે લોકપ્રિય મેસેજિંગ એપ ટેલિગ્રામ સામે મોટી કાર્યવાહી કરી છે. ટેલિગ્રામ પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય વિડિયો કન્ટેન્ટની ભરપૂર પાઇરસી થઈ રહી છે તેને રોકવા માટે સરકારે ટેલિગ્રામને ૧૫ દિવસનો સમય આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે ટેલિગ્રામને એક નોટિસ આપી છે. જેમાં ૧૫ દિવસની અંદર કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ (એક્શન ટેકન રિપોર્ટ) સરકારને સોંપવા માટે જણાવવામાં આવ્યું છે.
સરકારનું કહેવું છે કે ટેલિગ્રામે હવે પોતાની સિસ્ટમ વધુ મજબૂત કરવી પડશે. પાઇરેટેડ ફિલ્મો અને સિરીઝને આપમેળે શોધીને બ્લોક કરવી અને તરત જ હટાવવી પડશે. મંત્રાલયે હવે સ્પષ્ટ કર્યું છે કે ટેલિગ્રામ માત્ર સરકારના આદેશની રાહ જાેઈને બેસી ન શકે. સરકારના આ એક્શનનો હેતુ ભારતીય ક્રિએટર ઇકોનોમી, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, બ્રોડકાસ્ટર્સ, OTT પ્લેટફોર્મ્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સના હિતોનું રક્ષણ કરવાનો છે.
આ પહેલાં સરકારે પાઇરસી ચલાવતી ૩૦૦૦થી વધુ ટેલિગ્રામ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એક-એક ચેનલ બંધ કરવાથી વાત પૂરી થતી નથી. ટેલિગ્રામ IT એક્ટ ૨૦૦૦ અને IT રૂલ્સ ૨૦૨૧ હેઠળ મધ્યસ્થી તરીકે જવાબદાર છે, તેથી તેને સક્રિય રીતે પાઇરસી રોકવી પડશે. નોટિસમાં કહેવાયું છે કે, વારંવાર પાઇરસી કરનારા ચેનલ્સ, ગ્રુપ્સ, ઓટોમેટિક બોટ્સ, એકાઉન્ટ્સ અને તેમના એડમિન્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે. આ ઉપરાંત ટેલિગ્રામે પ્રોડ્યુસર્સ, OTT કંપનીઓ અને પોલીસ-કાયદા અમલીકરણ એજન્સીઓ માટે પોતાની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સંપૂર્ણ વિગતો સરકારને આપવી પડશે. મંત્રાલયે યાદ અપાવ્યું છે કે ભારતમાં કૉપિરાઇટ એક્ટ ૧૯૫૭ અને સિનેમેટોગ્રાફ એક્ટ ૧૯૫૨ હેઠળ પાઇરસી એ માત્ર સિવિલ ગુનો નથી પરંતુ ક્રિમિનલ (ગુનાહિત) અફેન્સ છે.
ઉલ્લેખનીય છે કે, NEET-UG પરીક્ષાના પેપર લીક મામલે પણ સરકારે ૨૧ જૂનની રી-એક્ઝામ પહેલાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હી હાઈકોર્ટે પણ આ પ્રતિબંધને માન્ય રાખ્યો હતો. હવે પાઇરસી મામલે ટેલિગ્રામે ૧૫ દિવસમાં પોતાની કાર્યવાહીનો વિસ્તૃત રિપોર્ટ (Action Taken Report) સરકારને સોંપવાનો છે. આ નોટિસથી ફિલ્મ અને OTT ઉદ્યોગમાં રાહતની લાગણી જાેવા મળી રહી છે.




