
તપાસનો આદેશ આપવામાં આવ્યો રામ મંદિર બાદ હવે કેદારનાથ-બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ ભૈરવ સેનાના સંદીપ ખત્રીએ ૩ જુલાઈના રોજ ફરિયાદ કરી હતી અયોધ્યાના રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગેની વિગતો વાઇરલ થયા બાદ, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને આંતરિક તપાસના આદેશ આપ્યા છે.
BKTC ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ એક વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા અહેવાલોને સમિતિએ અત્યંત ગંભીરતાથી લીધા છે. કરોડો ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ મામલે ૨૪ કલાકની અંદર જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દ્વારા દાન ગણતરીની પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને શો-કોઝ (કારણદર્શક) નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. તટસ્થ અને તથ્યો આધારિત તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હિન્દુ સંગઠન ‘ભૈરવ સેના‘ના સ્થાપક અધ્યક્ષ સંદીપ ખત્રીએ ૩ જુલાઈના રોજ BKTC ના સીઈઓ સોહન સિંહ રંગડને એક ફરિયાદ પત્ર મોકલ્યો. આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ૨ જુલાઈના રોજ સવારે આશરે ૮:૩૦ વાગ્યે બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી દરમિયાન ચોરીની ઘટના બની હતી, જે ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ છે. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે મ્દ્ભ્ઝ્ર અધ્યક્ષના કથિત અંગત સચિવે દાનની રકમમાંથી આ ચોરી કરી છે. આ મામલે એફઆઈઆર (FIR) નોંધવાની માગ કરવામાં આવી છે.
મંદિર સમિતિના રેકોર્ડ અનુસાર, પ્રમોદ નૌટિયાલ વર્ષ ૨૦૧૪થી પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે ફરજ બજાવી રહ્યા છે. એપ્રિલ ૨૦૨૬માં તત્કાલીન સીઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી (રોસ્ટર) મુજબ, તેમનું નામ થાળી એટલે કે મંદિરમાં આવતા દાનની ગણતરી કરતી સમિતિના સભ્યોમાં સામેલ કરવામાં આવ્યું હતું. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ વાતોને સખત શબ્દોમાં નકારી કાઢી છે જેમાં આરોપી કર્મચારી તેમનો અંગત સચિવ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘મારો કોઈ પર્સનલ સેક્રેટરી નથી. જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે બદ્રી-કેદાર મંદિર સમિતિનો જ એક નિયમિત કર્મચારી છે.‘
બીજી તરફ, સીઈઓ સોહન સિંહ રંગડે જણાવ્યું કે ફરિયાદ બાદ મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, પરંતુ ઉપલબ્ધ ફૂટેજ વધુ સ્પષ્ટ નથી. મંદિર સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર, બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી એક નિર્ધારિત અને પારદર્શક પ્રક્રિયા હેઠળ થાય છે. જ્યારે દાનની બેગ ખોલવામાં આવે છે ત્યારે તેની જાહેરાત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન બેંકના કર્મચારીઓ, મંદિર સમિતિના અધિકારીઓ, પ્રોટોકોલ ઓફિસર્સ અને અન્ય અધિકૃત સભ્યો હાજર રહે છે.
નોંધનીય છે કે આ વિવાદ સામે આવ્યાના એક દિવસ પહેલા જ એટલે કે ૨ જુલાઈના રોજ, BKTC એ તમામ મંદિરોમાં દાન અને આવકના સ્ત્રોતો પર દેખરેખ કડક કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી હતી.
હાલમાં આ મામલાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. સીઈઓ સોહન સિંહ રંગડે ભક્તોને સંયમ રાખવાની અપીલ કરતા કહ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આક્ષેપોને સાચા માની લેવા જાેઈએ નહીં. સમિતિએ જણાવ્યું છે કે તપાસ પેનલ તમામ ઉપલબ્ધ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સંબંધિત પક્ષોના નિવેદનોના આધારે પોતાનો રિપોર્ટ સબમિટ કરશે.




