
અદૃશ્ય થઈને હુમલો કરવાની ક્ષમતા! ભારતીય નૌસેનામાં સામેલ થયું INS મહેન્દ્રગિરી, ચીન-પાકિસ્તાનમાં ફફડાટ આજે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમના નેવલ ડૉકયાર્ડ ખાતે INS મહેન્દ્રગિરીને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધી રહેલા વ્યૂહનીતિ તણાવ અને વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય નૌસેનાની તાકાતમાં આજે એક ઐતિહાસિક વધારો થયો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમના નેવલ ડૉકયાર્ડ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં એડવાન્સ્ડ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ આઇએનએસ મહેન્દ્રગિરી (F-38)ને ભારતીય નૌસેનામાં વિધિવત રીતે સામેલ કર્યું છે.
આ ખાસ પ્રસંગે સંરક્ષણમંત્રીને ડૉકયાર્ડમાં ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ યુદ્ધપોતનું કમિશનિંગ એવા સમયે થયું છે જ્યારે વૈશ્વિક સ્તરે દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વધી ગઈ છે. સમુદ્રના મોજાંને ચીરતા આ અત્યાધુનિક યુદ્ધપોત પર જ્યારે તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યારે તે માત્ર નૌસેનાની લડાયક ક્ષમતા જ નહીં, પરંતુ આર્ત્મનિભર ભારતની વધતી જતી શક્તિનું પણ પ્રતીક બન્યું છે. છેલ્લા એક વર્ષમાં નૌસેનામાં સામેલ થયેલા વોરશિપની સંખ્યા ૧૮ને પાર થઈ ગઈ છે, અને વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આટલા જ વધુ જહાજાેને બેડામાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ મહાશક્તિશાળી ફ્રિગેટનું નામ ઓડિશા અને આંધ્રપ્રદેશની સરહદ પર આવેલા પૂર્વીય ઘાટની મહેન્દ્રગિરી પર્વત શ્રૃંખલા પરથી રાખવામાં આવ્યું છે, જે અખંડ તાકાત અને ભારતીય વિરાસતને દર્શાવે છે. પ્રોજેક્ટ 17A હેઠળ તૈયાર કરવામાં આવેલું INS મહેન્દ્રગિરી એક નીલગિરી-ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તેને ઇન્ડિયન નેવીના વોરશિપ ડિઝાઇન બ્યુરોએ ડિઝાઇન કર્યું છે, જ્યારે તેનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યુદ્ધપોતમાં ૭૫%થી વધુ સ્વદેશી ઉપકરણો અને સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. INS મહેન્દ્રગિરીને ભવિષ્યના આધુનિક નૌસેનિક યુદ્ધ અને લાંબી દૂરીના મિશનોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ એકસાથે અનેક મોરચે દુશ્મનોનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. તે હવાઈ હુમલા રોકવા, દરિયાઈ સપાટી પર હુમલો કરવા અને સબમરીન વિરોધી ઓપરેશન્સને અત્યંત સચોટતાથી અંજામ આપી શકે છે. તેનું ખાસ સ્ટીલ્થ ડિઝાઇન દુશ્મનના રડારને આસાનીથી ચકમો આપી શકે છે, જેનાથી યુદ્ધના સમયે ભારતને વ્યૂહાત્મક ફાયદો મળશે.
આ જહાજ અત્યાધુનિક સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ, એડવાન્સ રડાર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટથી સજ્જ છે. યુદ્ધ સિવાય તે લાંબી દૂરીની દેખરેખ અને આપત્તિના સમયે માનવીય સહાયતા પહોંચાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે ચીન સહિતની તમામ વિરોધી શક્તિઓ માટે એક કડક સંદેશ છે.
આ ઐતિહાસિક અવસરે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંધ્રપ્રદેશના ઔદ્યોગિક અને સામરિક ભવિષ્યને લઈને એક મોટો વિઝન દેશ સામે રજૂ કર્યો છે. સંરક્ષણમંત્રીએ જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશ આગામી સમયમાં દેશના સૌથી મોટા ડિફેન્સ અને ડ્રોન હબ તરીકે ઉભરી આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમ સુરત દુનિયાની ડાયમંડ સિટી અને બેંગલુરુ દેશની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે, તેમ કુરનૂલમાં સ્થાપિત થનારી ડ્રોન સિટીના કારણે આખો વિસ્તાર વૈશ્વિક સ્તરે દેશના ડ્રોન હબ તરીકે ઓળખાશે.
આંધ્રપ્રદેશ આકાશમાં અત્યાધુનિક વિમાનો, સમુદ્રની ઊંડાઈમાં શક્તિશાળી ટોર્પીડો, જમીન પર અને ડ્રોન ક્ષેત્રે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરીને ચારેય દિશાઓથી દેશની સુરક્ષા અભેદ્ય બનાવી રહ્યું છે.




