
સર્વાેચ્ચ અદાલતે ઉત્તરાખંડ હાઈકોર્ટના ૨૬ જૂન, ૨૦૨૫ના આદેશમાં સુધારો કર્યાે EMI ને ભરણપોષણની કાનૂની જવાબદારી કરતાં વધુ મહત્ત્વ ન આપી શકાય: સુપ્રીમ લોનના હપ્તાની ચુકવણી એક પ્રકારનું મૂડીરોકાણ, તેને પતિનો અનિવાર્ય ખર્ચ ન ગણી શકાય
મહિલાને ચૂકવવાપાત્ર માસિક ભરણપોષણ રૂ.૧૫,૦૦૦થી વધારી રૂ.૨૫,૦૦૦ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સંપત્તિ સર્જન માટે લોનના હપ્તાની ચુકવણી જેવી પતિની નાણાકીય પ્રતિબદ્ધત્તા તેના જીવનસાથીનું ભરણપોષણ કરવાની તેની કાનૂની જવાબદારી કરતાં વધુ મહત્વની નથી. સંપત્તિની ખરીદી કે સર્જન કરવા માટે કરવામાં આવતી ચુકવણી એક પ્રકારનું મૂડીરોકાણ છે અને તેને આવશ્યક અથવા અનિવાર્ય ખર્ચ ગણી શકાય નહીં. ન્યાયાધીશ સંજય કરોલ અને એજી મસીહની બનેલી ખંડપીઠે દીપા જાેશીએ દાખલ કરેલી અપીલ પર આ ચુકાદો આપ્યો હતો.
દીપા જાેશીએ નીચેની અદાલતોએ નક્કી કરેલી ભરણપોષણની રકમની પડકારી હતી. સર્વાેચ્ચ અદાલતે ઉત્તરાખંડ હાઈકોર્ટના ૨૬ જૂન, ૨૦૨૫ના આદેશમાં સુધારો કર્યાે હતો, જેમાં અગાઉ ભરણપોષણની રકમ માસિક રૂ.૮૦૦૦થી વધારીને રૂ.૧૫,૦૦૦ કરાઈ હતી. ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું હતું કે કેનેરા બેંકમાં મેનેજર તરીકે કાર્યરત પતિની માસિક આવક રૂ.૧,૧૫,૬૭૦ છે અને તેમની પાસે નિયમિત આવકનો સ્ત્રોત છે. પત્ની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી અને લગ્ન પછી તરત જ તે અલગ રહે છે. લોનની ચુકવણી કે જેમાં ખાસ કરીને સંપત્તિનું સર્જન કે ખરીદી કરવામાં આવતી હોય તેવા કિસ્સામાં તે એક પ્રકારનું મૂડીરોકાણ છે. આવા મૂડીરોકાણને આવશ્યક અથવા અનિવાર્ય ખર્ચ સાથે સરખાવી શકાય નહીં. ખંડપીઠે જણાવ્યું હતું કે આવી નાણાકીય પ્રતિબદ્ધતાઓ સ્વૈચ્છિક હોય છે અને તેથી તેને ભરણપોષણની કાનૂની અને કાયદેસર રીતે લાગુ પાડી શકાય તેવી જવાબદારી કરતાં વધુ મહત્વ આપી શકાય નહીં. ભરણપોષણ નક્કી કરતી વખતે પતિની નાણાકીય ક્ષમતા અને પત્નીની વાજબી જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવું જાેઈએ. પતિની પોતાના જીવનસાથીનું ભરણપોષણ કરવાની જવાબદારી પ્રાથમિક ફરજ છે.સ્થાપિત કાનૂની સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યાે હતો કે ભરણપોષણ ભ્રામક ન હોવું જાેઈએ અને તે વાજબી અને પક્ષકારોની સ્થિતિને અનુરૂપ હોવું જાેઈએ. નીચલી અદાલતોએ પતિના પગારમાંથી લોનના હપ્તા જેવી કપાતને મહત્ત્વ આપ્યું છે, જેના કારણે ભરણપોષણની રકમમાં ઘટાડો થયો હતો.



