
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભાજપની રાજનીતિ વિપક્ષના નેતાઓને તોડી મરોડીને તેમને ઝૂકાવવા પૂરતી મર્યાદિત છે. ગુજરાત માટે, ગુજરાતના વિકાસ માટે અને ગુજરાતના લોકો માટે ભાજપની એક પણ નીતિ કારગર નીવડી નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય અને સમગ્ર ગુજરાતના લોકો જેમને ચાહે છે એવા ચૈતર વસાવા આજે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ લડી છે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના હકો માટે લડાઈ લડી છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. આજે ચૈતરભાઈ જેલમાં છે અને જેના કારણે સમગ્ર આદિવાસી સમાજના લોકો દુઃખી છે અને લોકોમાં ભાવના છે કે ચૈતર વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈના સમર્થનમાં આખા ગુજરાતમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી અને સાથે સાથે ડેડીયાપાડામાં સમાજના લાખો લોકોએ એકઠા થઈને એક ભવ્ય સભાનું આયોજન કર્યું હતું.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હવે જે આંદોલન ચાલી રહ્યું છે તેના નવા તબક્કા રૂપે આગામી સમયમાં આગળ વધશે. હવે તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવશે અને ત્યારબાદ એક પત્ર તૈયાર કરીને રાષ્ટ્રપતિ મહોદયાને મોકલવામાં આવશે. સાથે સાથે આ પત્ર રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે. ચૈતરભાઈ વસાવાની સજા માફ થાય અને તેઓ ઝડપથી જેલથી બહાર આવે તે ઉદ્દેશ સાથે આ પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવશે. સાથે સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લાઓમાં એક મહાસંમેલનનું આયોજન થશે અને સિગ્નેચર કેમ્પસ દ્વારા જે પત્રો ભેગા થયા થશે તે લઈને જિલ્લાઓના કલેકટરોના માધ્યમથી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી એક મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમો થશે. આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈને એક મહાનાયક માને છે. તો આપણે તમામ લોકો સાથે મળીને ચૈતરભાઈની સજા માફ થાય તે માટે પ્રયત્ન કરીશું.




