
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકારની નવી કપાસ યોજના પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે જનતાના હિત કરતા નેતાઓનું પોતાનું હિત વહાલું હોય, ત્યારે પ્રજાના પૈસા કઈ રીતે સગેવગે કરવા તેના માટે આવી ગેરવ્યાજબી યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે. બહારથી એવું લાગે કે આ યોજના જનતાના હિત માટે છે, પણ પડદા પાછળ નેતાઓ અને તેમના મળતિયાઓનું હિત સચવાતું હોય છે. તાજેતરમાં સરકાર દ્વારા ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ એટલે કે ‘કપાસ ક્રાંતિ મિશન’ અંતર્ગત ₹૧૩૪ કરોડ ફાળવવાની જે જાહેરાત કરવામાં આવી છે, તે વાસ્તવમાં ખેડૂતોની ક્રાંતિ માટે નથી, પણ ભાજપના નેતાઓની ક્રાંતિ માટે છે. આ યોજનાનો સમય જ શંકાસ્પદ છે. સરકારની શરત એવી છે કે જે ખેડૂતો કપાસના બે છોડ વચ્ચે ઓછું અંતર (90 × 30 સેન્ટીમીટર) રાખશે તેમને પ્રતિ હેક્ટર ₹૧૪,૦૦૦ અને જેઓ 90 × ૬૦ સેન્ટીમીટરનું અંતર રાખશે તેમને પ્રતિ હેક્ટર ₹૭,૫૦૦ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં વળતર અપાશે.
સમજવા જેવી વાત એ છે કે ગુજરાતમાં સારો વરસાદ પડી ગયો અને અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોને કંઈ સપનું નહોતું આવ્યું કે સરકાર આવી કોઈ યોજના લાવવાની છે, એટલે તેમણે પોતાની પરંપરાગત પદ્ધતિથી વાવેતર કરી દીધું છે.
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે હવે જ્યારે વાવેતર જ પૂરું થઈ ગયું છે, ત્યારે આવી યોજના લાવવાનો અર્થ શું? આનો સીધો મતલબ એ છે કે આ ₹૧૩૪ કરોડ રૂપિયા ભાજપના મળતિયાઓ ખોટી અરજીઓ અને કાગળો ઊભા કરીને ઓળવી જશે. સરકારી ચોપડે દેખાડાશે કે ખેડૂતોને કરોડો રૂપિયા આપ્યા, પણ વાસ્તવમાં આ પૈસા ખેડૂતો સુધી પહોંચવાના જ નથી.સરકાર એવી દલીલ કરે છે કે આનાથી કપાસનું ઉત્પાદન વધશે અને ભારતની આયાત ઘટશે તથા ખેડૂતો માલામાલ થશે. મારો સરકારને સવાલ છે કે અત્યારે ખેડૂતો જેટલું કપાસ પકવે છે, તેના તો તમે પૂરતા ભાવ આપી શકતા નથી, ખેડૂતો દેવામાં ડૂબેલા છે, છતાં તમે વધુ ઉત્પાદનની ગુલબાંગો ફેંકો છો!જો સરકાર ખરેખર કપાસ ઉત્પાદકોનું ભલું કરવા ઈચ્છતી હોય, તો અમેરિકાથી ઝીરો ટકા ટેક્સથી જે કપાસ આયાત કરવામાં આવે છે તેના પર તાત્કાલિક ટેક્સ (આયાત ડ્યુટી) વધારી દેવો જોઈએ. જો બહારથી આવતો કપાસ મોંઘો થશે, તો દેશના ખેડૂતોના કપાસના ભાવ ઓટોમેટિક વધી જશે અને ભાવ સારો મળશે એટલે ખેડૂતો સામેથી વધુ વાવેતર કરશે. પરંતુ સરકારનું મિશન ‘કપાસ ક્રાંતિ’ નથી, તેમનું સાચુ મિશન ‘ખિસ્સા ભરો મિશન’ છે. ખેડૂતોના ખભે બંદૂક ફોડીને આચરવામાં આવી રહેલા આ ભ્રષ્ટાચારને ગુજરાતનો ખેડૂત ક્યારેય સાંખી નહીં લે. પાણી ગયા પછી પાળ બાંધવા નીકળેલી આ સરકાર ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે તે જરૂરી છે.




