
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારત હોય કે વિશ્વ શિક્ષણ માત્ર પાઠયપુસ્તકોનું જ્ઞાન નથી. તે બાળકમા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, નૈતિક મૂલ્યો, સામાજિક સમજ અને જીવન કૌશલ્ય વિકસાવવાની પ્રક્રિયા છે. પરંતુ જ્યારે એક જ શિક્ષક પાંચ કે છ ધોરણના વિદ્યાર્થીઓને સાથે ભણાવતો હોય ત્યારે દરેક બાળક સુધી વ્યક્તિગત ધ્યાન પહોંચાડવું અશક્ય બની જાય છે. પરિણામે શિક્ષણનું સ્તર ઘટે છે. અને સૌથી મોટું નુકશાન ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લાખો બાળકોને સહન કરવું પડે છે.
પરંતુ જ્યારે સરકારી આંકડા જ બતાવે છે કે દેશમા એક લાખથી વધુ સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે ત્યારે એ માત્ર ચિંતાનો વિષય નથી રહેતો. પરંતુ સમગ્ર શિક્ષણ નીતિ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. જ્યારે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળના યુડાઈસ પ્લસ (UDISE+) ૨૦૨૫-૨૬ ના અહેવાલ મુજબ દેશભરમાં એક લાખથી વધુ શાળાઓમા માત્ર એક જ શિક્ષક કાર્યરત છે. આવા શિક્ષકને એક સાથે વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓને ભણાવવા પડે છે. શાળાનું વહીવટી કામ સંભારવું પડે છે. સરકારી યોજનાઓનો અમલ કરાવવો પડે છે. અને ચૂંટણીથી લઈને જનગણના જેવી ફરજો પણ બજાવવી પડે છે.
આવી સ્થિતિમા ગુણવત્તાસભર શિક્ષણની અપેક્ષા રાખવી કેટલી વાસ્તવિકતા છે? રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦મા ગુણવત્તાયુકત અને સર્વસમાવેશક શિક્ષણનું સ્વ્પન રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ નીતિના સુંદર દસ્તાવેજો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે વાસ્તવમા પૂરતા શિક્ષકો યોગ્ય માળખાકીય સુવિધાઓ અને અસરકારક, અમલીકરણ જોવા મળે, શિક્ષક વગરની કે એક જ શિક્ષક પર આધારિત શાળા કોઈપણ શિક્ષણ નીતિના ઉદ્દેશોને પૂર્ણ કરી શકતી નથી.
ખાસ કરી ગ્રામ્ય, આદિવાસી અને દૂરદરાજના વિસ્તારોમા શિક્ષકોની અછત વધુ ગંભીર છે. જ્યાં શિક્ષણની સૌથી વધુ જરૂર છે ત્યાં જ સૌથી ઓછી સુવિધાઓ ઉપલબ્ધ હોવીએ વિકાસના આવઓને નબળા પાડે છે. શિક્ષકની ખાલી જગ્યાઓ વર્ષો સુધી ભરાતી નથી. બદલીની નીતિમા અસંતુલન રહે છે અને નવી ભરતીમાં વિલંબ થતો રહે છે.આ સમસ્યાઓનો સીધો ભોગ વિદ્યાર્થીઓ બને છે.
અંતે પ્રશ્ન માત્ર એક લાખ શાળાઓનો નથી. પ્રશ્ન લાખો બાળકોના ભવિષ્યનો છે. જે દેશમા દરેક બાળકને સમાન અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો સંકલ્પ છે ત્યાં એક શિક્ષણવાળી શાળાઓનું અસ્તિત્વ જ નીતિ અને અમલીકરણ વચ્ચેના અંતરને ઉજાગર કરે છે. હવે સમય આવી ગયો છે કે સરકાર આં પડકારને ગંભીરતાથી સ્વીકારી ઝડપી અને અસરકારક પગલાં ભરે. કારણકે મજબૂત શિક્ષક વિના મજબૂત શિક્ષણ વિના મજબૂત રાષ્ટ્રનું નિર્માણ પણ શકય નથી. કારણકે ભારતને યુવા દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થી વસ્તી ધરાવતા દેશમા શિક્ષણ વ્યવસ્થાની મજબૂતાઈ જ વિકાસનો સાચો આધાર છે.




