
ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના એક મોટા દેશવિરોધી કાવતરાનો પર્દાફાશ કરીને ગુજરાત એટીએસ (ATS) દ્વારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર તપાસમાં સૌથી ચોંકાવનારું ‘ભરૂચ કનેક્શન’ સામે આવ્યું છે, જ્યાં એક સ્થાનિક મદ્રેસાના બે યુવાનો પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસાના ૨ યુવકોની અટકાયત ATS દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા (UAPA) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા બે યુવાનોની સીધી સંડોવણી ખુલી છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે:
મોહમ્મદ ઐયુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (ઉંમર ૨૦ વર્ષ) – (ભરૂચ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલ)
મોહમદ હસન હનીફ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (ઉંમર ૨૦ વર્ષ) – (ભરૂચ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલ)
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ની કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા હતા. તેઓ ભરૂચ અને આસપાસના વિસ્તારના સ્થાનિક યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરતા હતા, જેથી રાજ્યમાં જૈશનું એક મજબૂત આતંકી નેટવર્ક ઊભું કરી શકાય.
ગુજરાત ATS દ્વારા અત્યાધુનિક ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને વિવિધ જિલ્લાની સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એજન્સીઓની સમયસરની સતર્કતાને કારણે ભરૂચમાંથી ઓપરેટ થતું આ મોટું આતંકી ષડયંત્ર સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં હાઈ-એલર્ટ
આ ચોંકાવનારા ખુલાસા બાદ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની ગઈ છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અને સમયસર મળેલી ઇન્ટેલિજન્સ ઇનપુટને કારણે પોલીસ તંત્ર આ કાવતરાને તોડી પાડવામાં સફળ રહ્યું છે. હાલમાં એટીએસ આ નેટવર્કના અન્ય છેડાઓ મેળવવા માટે ભરૂચમાં વધુ સઘન તપાસ ચલાવી રહી છે.
રિપોર્ટર ભરૂચ
ભરત મિસ્ત્રી




