
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા પોતાની ટીમ સાથે આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા હતા. જંતર મંતર પર પાયલ સાકરીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નીટનું પેપર વારંવાર લીક થઈ રહ્યું છે અને આ રીતે દેશમાં બીજા અનેક પેપર લીક થયા છે તો પછી પરીક્ષાનો શું મતલબ અને આ આખી વ્યવસ્થાનો શું મતલબ? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ લોકો પોતાના લોકોના ફાયદા માટે કામ કરી રહ્યા છે. જેના કારણે આજે અહીંયા જંતર મંતર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ખૂબ જ દુઃખની બાબત છે કે ભાજપાના નેતાઓને આ બાબતથી જરા પણ ફરક નથી પડી રહ્યો. એ લોકોને ખબર છે કે જ્યારે સમય ખતમ થશે ત્યારે પોલીસનો ઉપયોગ કરીને આ પ્રદર્શનની જગ્યાને ખાલી કરાવી દેવામાં આવશે અને ગમે તે રીતે આ વિરોધ પ્રદર્શનને બંધ કરાવી દેશે. પરંતુ હું એ તમામ લોકોને કહી દેવા માગું છું કે યુવાનોની આ ચિનગારીને તેઓ બુજાવી નહીં શકે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, યુવાનોની જે માંગ છે એ માંગ યોગ્ય છે, જો તમારાથી વ્યવસ્થા નથી સંભાળાતી તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. અત્યાર સુધી તો ફક્ત શિક્ષણ મંત્રીના રાજીનામાની વાત થઈ રહી હતી પરંતુ જો આવું ચાલતું રહ્યું તો આખા દેશના યુવાનો નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું લેવા માટે ધરણા પ્રદર્શન કરશે. હવે એટલું જ ઇચ્છીએ છીએ કે ઝડપથી આ વાતનું સમાધાન લાવવામાં આવે અને ઝડપથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ પેપર લીક ન થાય અને આ શિક્ષા વિભાગની સાથે સાથે બીજા પણ જે વિભાગ છે, એ સારી રીતે કામ કરે. જે રીતે સોનમ વાંગચૂકજીને ઢસેડીને લઈ જવામાં આવ્યા એ જોઈને અમને ખૂબ જ દુઃખ થયું. આખો દેશ જોઈ રહ્યો છે કે એક ભણેલા ગણેલા ક્રાંતિકારી વ્યક્તિ આ દેશ માટે અને દેશના બાળકો માટે લડી રહ્યા છે એમની સાથે આ રીતે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ ભાજપ સરકાર બાળકો માટે કંઈ કરી શકી નથી, રોજગારી માટે કંઈ કરી શકી નથી અને બાળકોના ભવિષ્ય માટે પણ કંઈ કરી શકી નથી અને જે વ્યક્તિ યોગ્ય માંગ લઈને બેઠા છે એમને સન્માન પણ નથી આપી રહી. અહીંયા સોનમ વાંગચૂકજી સાથે જે પણ હરકત કરવામાં આવી એ આખા દેશ માટે એક શરમજનક ઘટના હતી.




