
સ્ટૉકહોમમાં ચૂંટણી જીતી ભાજપના મંત્રીની ભત્રીજી સ્વિડનમાં સાંસદ બની મહારાષ્ટ્રના વિખે પાટીલ પરિવારની નીલા વિખે પાટીલે સ્વીડનની સંસદમાં ઐતિહાસિક સફળતા મેળવી છે મહારાષ્ટ્રની રાજનીતિ અને સહકારિતા ક્ષેત્ર સાથે ઊંડો નાતો ધરાવતા વિખે પાટીલ પરિવારનું નામ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલની ભત્રીજી અને અગ્રણી પરિવારની દીકરી નીલા વિખે પાટીલે સ્વીડનની રાજનીતિમાં એક મોટી અને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદ માટે ચૂંટાઈ આવી છે અને તેમણે સ્ટોકહોમ સિટીથી ગ્રીન પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીને આ ભવ્ય વિજય મેળવ્યો છે. હવે તે ૩૪૯ સભ્યો ધરાવતી સ્વીડનની સંસદમાં દેશ અને જનતાના મહત્ત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતી નજરે પડશે.
નીલા વિખે પાટીલનો ભારત અને ખાસ કરીને મહારાષ્ટ્ર સાથે અત્યંત જૂનો અને ગાઢ સંબંધ રહ્યો છે. તેમનો જન્મ સ્વીડનમાં થયો હતો, પરંતુ તેમના બાળપણના શરૂઆતના વર્ષો મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં વીત્યા હતા. ત્યારબાદ તે ફરી સ્વીડન પરત ફર્યા હતા અને ત્યાંથી જ પોતાની ઉચ્ચ શિક્ષણ તેમજ રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના દાદા બાલાસાહેબ વિખે પાટીલ દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે તેમના પિતા અશોક વિખે પાટીલ એક ખ્યાતનામ શિક્ષણવિદ્ છે. આ ઉપરાંત, તેમના પરિવારનો સહકારિતા આંદોલન સાથે પણ ઐતિહાસિક ઇતિહાસ જાેડાયેલો છે, કારણ કે તેમના પરદાદા વિઠ્ઠલરાવ વિખે પાટીલે એશિયાની પહેલી સહકારી ખાંડ ફેક્ટરીની સ્થાપના કરી હતી. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ નીલાએ ભાવુક થઈને પોતાના દાદાને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યારે તે ૧૫ વર્ષની હતી ત્યારે તેમના દાદા તેમને રાજ્યનો બજેટ અભ્યાસ કરવા માટે આપતા હતા.
નીલા વિખે પાટીલે ગોથેનબર્ગ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી અર્થશાસ્ત્ર અને કાયદાની પદવી મેળવી છે અને એમબીએ (સ્મ્છ) ની ડિગ્રી પણ હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે મેડ્રિડની કોમ્પ્લુટેન્સ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. તે લાંબા સમયથી સ્વીડનની રાજનીતિમાં ખૂબ જ સક્રિય રહી છે. અગાઉ તેમણે પૂર્વ વડાપ્રધાન સ્ટીફન લોફવેનના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયમાં નાણાં, ટેક્સ અને આવાસ જેવા મહત્ત્વના વિભાગોમાં સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ તે સ્ટોકહોમ સિટી કાઉન્સિલ માટે પણ ચૂંટાઈ આવી હતી. સંસદ સભ્ય બન્યા બાદ હવે તે મુખ્યત્વે બાળકોના કલ્યાણ, પર્યાવરણ અને સમાજના અવાજ ઉઠાવી ન શકે તેવા વર્ગોના હિતો માટે કામ કરવા માટે કટિબદ્ધ છે. ભારત સાથે પોતાનો અતૂટ પ્રેમ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે તેમનો દેશ સાથે આજે પણ ઊંડો લગાવ છે અને તેમના ઘણા ગાઢ મિત્રો પણ ભારતીય છે.
બીજી તરફ, સ્વીડનની તાજેતરની સંસદીય ચૂંટણીમાં રાજકીય સમીકરણો ખૂબ જ રોમાંચક રહ્યા છે. વામપંથી વિચારો ધરાવતા ચાર વિપક્ષી પક્ષોને કુલ ૧૭૬ બેઠકો પ્રાપ્ત થઈ છે, જ્યારે વર્તમાન રૂઢિચુસ્ત સરકારને સમર્થન આપનાર પક્ષોને ૧૭૩ બેઠકો મળી છે. બંને પક્ષો વચ્ચે માત્ર ૩ બેઠકોનું જ પાતળું અંતર જાેવા મળ્યું છે. આ ચૂંટણી પરિણામો આવ્યા બાદ વર્તમાન વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. પૂર્વ વડાપ્રધાન મેગડાલેના એન્ડરસનની સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટી ૯૯ બેઠકો સાથે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જાેકે, વિપક્ષી ગઠબંધનમાં પણ અનેક મુદ્દાઓ પર મતભેદો પ્રવર્તે છે, જેના કારણે આગામી સમયમાં નવી સરકારની રચના અને શાસન ચલાવવા માટે નેતાઓએ ભારે મથામણ કરવી પડશે.




