
ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ચિત એશિયન ગેમ્સમાં દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધ
ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ૨૦૨૬ એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને તેનો ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો છે. સેમિફાઇનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને ૧૯૫ રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ ૧૦૦ રનની ઐતિહાસિક ઇનિંગ રમી. ૧૯૬ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની સમગ્ર ટીમ ૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમે આ મુકાબલો ૧૧૪ રનથી પોતાના નામે કર્યો. હવે ૨૦૨૬ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે થશે, જેણે પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને ૮ વિકેટે હરાવ્યું હતું.
ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. આ સતત બીજી વખત છે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચાર વર્ષ પહેલાં ૨૦૨૨ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૧૯ રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ૨૦૨૬ એશિયન ગેમ્સમાં પણ એ જ ફાઇનલ ફરી જાેવા મળશે. આ ફાઇનલ મુકાબલો ૨૨ સપ્ટેમ્બરે રમાશે.
ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરી ત્યારે શેફાલી વર્માએ ૪૯ બોલમાં ૧૦૦ રન બનાવ્યા. આ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી છે. તેમના પહેલાં હરમનપ્રીત કૌરે પણ ૪૯ બોલમાં સદી ફટકારી હતી. આ જ મુકાબલામાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ T20 ક્રિકેટમાં પોતાના ૧૦૦ છગ્ગા પૂરા કર્યા. બીજી તરફ, મંધાના મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગઈ છે. બાંગ્લાદેશ સામે ૧૯૬ રનનો વિશાળ લક્ષ્યાંક હતો, પરંતુ તેના બેટર્સ ભારતીય બોલિંગ સામે ટકી શક્યા નહીં. ભારતીય બોલરોએ બીજા ઓવરથી જ વિકેટ લેવાનું શરૂ કરી દીધું અને જાેતજાેતામાં ૧૫.૪ ઓવરની રમતમાં બાંગ્લાદેશના તમામ બેટર્સ ઓલઆઉટ થઈ ગયા.
દીપ્તિ શર્મા અને નંદિની શર્માએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
દીપ્તિએ ૨.૪ ઓવર બોલિંગ કરીને માત્ર ૭ રન આપ્યા. શ્રી ચરણી પણ ઘાતક સાબિત થઈ હતી, જેણે ૩ ઓવરમાં માત્ર ૭ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.
હવે એશિયન ગેમ્સ ૨૦૨૬માં મહિલા ક્રિકેટ સ્પર્ધાની ગોલ્ડ મેડલ મેચ ૨૨ સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. બીજી તરફ, સેમિફાઇનલમાં હારેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. ૨૨ સપ્ટેમ્બરે જ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો બ્રોન્ઝ મેડલ માટે આમને-સામને ટકરાશે.




