
૨૭.૪૩ કરોડ ગ્રાહકોએ વેરિફિકેશન કરાવ્યું છે સબસિડીવાળા એલપીજી માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત આમ નહીં કરનાર ગ્રાહકોને ઊંચી બજાર કિંમતે ગેસનો બાટલો ખરીદવો પડશે : પેટ્રોલિયમ અને નેચલ ગેસ મંત્રાલય
દેશમાં ઘરેલુ એલપીજી ગ્રાહકોએ સબસિડીવાળા સિલિન્ડર માટે એક ઓક્ટોબર પહેલા આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (બીએએ) કરાવવું ફરજિયાત કરાયું છે. જે લોકો આ સમયમાં આધાર વેરિફિકેશન નહીં કરાવે તેમણે ઊંચી બજાર કિંમતે એલપીજી ગેસનો બાટલો ખરીદવો પડશે. સરકારે કહ્યું કે, એલપીજીનો સબસિડીવાળો બાટલો યોગ્ય પરિવારો સુધી પહોંચે તે નિશ્ચિત કરવા આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે જણાવ્યું કે, જે ગ્રાહકોએ આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી લીધું છે તેમણે કોઈ વધુ કાર્યવાહી કરવાની જરૂર નથી. દેશમાં અત્યાર સુધીમાં ૨૭.૪૩ કરોડ સક્રિય ઘરેલુ એલપીજી ગ્રાહકોએ આધાર વેરિફિકેશન કરાવી લીધું છે, જે કુલ એલપીજી ગ્રાહકોના ૮૯.૯ ટકા જેટલા છે. જે એલપીજી ગ્રાહકોએ હજુ સુધી આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન નથી કરાવ્યું તેમને આ પ્રક્રિયા કરાવ્યા પછી જ સબસિડીવાળો એલપીજી બાટલો મળશે. જે ગ્રાહકો આધાર વેરિફિકેશન નહીં કરાવે તેમને એલપીજી બાટલો મળશે, પરંતુ તેમણે તે બજાર કિંમતે ખરીદવો પડશે તેમ મંત્રાલયે જણાવ્યું હતું. સબસિડીવાળા બાટલાનો કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ ટાળવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માત્ર યોગ્ય અને પાત્ર ગ્રાહકોને જ સબસિડીવાળા એલપીજી બાટલા મળશે.
ગ્રાહકો એલપીજી ડિલિવરી વખતે, તેમના ડિસ્ટ્રીબ્યુટર્સના શારૂમમાં અથવા ઈન્ડેન માટે ઈન્ડિયન ઓઈલ વન, ભારતગેસ માટે હેલોબીપીસીએલ અને એચપી ગેસ માટે એચપી પેની મોબાઈલ એપ્લિકેશન મારફત આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકશે.




